આવતીકાલની સોનેરી સવાર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. અથવા તો એમ કહીએ કે સારા દિવસોની શરૂઆત  જેની રાહ હરકોઈ જોતું હોય છે. પરંતુ શુ આપમેળે જ તમારા સુખદ સ્વપ્નો સાચા પડી જશે કે સાકાર થઈ જશે. એના માટે તો અત્યારથી જ એટલે કે શરૂઆતથી જ મહેનત કરશો તો જ અંત સુખદ આવશે.

આપણું ભવિષ્ય કેવું હશે એ કોઈ નથી જાણતું . પરંતુ એને કેવું બનાવવું એ ચોક્કસ આપણા હાથમાં છે. કર્મ કરીશું તો ફળ તો ચોક્કસ મળવાનું પણ એ સારૂ કે ખરાબ એ તો આપણા કર્મ ઉપર આધારિત છે ને.જેમ કે “વાવીશું બાવળ તો કાંટા જ ઉગશે” અને “ખાવી જો હોય કેરીઓ તો આંબા વાવવા પડે”. જેમ ભૂતકાળમાં કરેલા આપણા સારા નરસા કર્મો  નો આપણે વર્તમાન માં સામનો કરીએ છીએ. એ કર્મોનું ભૂલો નું પુનરાવર્તન ન થાય કે તેને સુધારવા માટેનો શ્રેષ્ઠ સમય છે આપણો વર્તમાન. ભૂતકાળમાં જે ભૂલો થઈ જે કર્મો કર્યા એને બદલી તો શકાતા નથી. પરંતુ એ કર્મોના પ્રાયશ્ચિત રૂપે સત્કર્મો થી જીવનનો સુધાર ચોક્કસ કરી શકીએ છીએ.

જેમ આપણો ભૂતકાળ અદ્રશ્ય હોવા છતાં હાલના આપણા વર્તમાન સમય ઉપર પૂરેપૂરો પ્રભાવ પાડે છે. એમ આપણો આજનો સમય આપણો વર્તમાન પણ આપણાં ભવિષ્ય ઉપર એની અસર દેખાડે જ એમાં કોઈ બેમત નથી. કોઈ સફળ કે ધનિક વ્યક્તિ ને જોતા જ આપણાં મનમાં સહજ જ વિચાર આવે કે ,શું જિંદગી છે આની ! અપારશાંતિ . પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે એની આજની આ સુખ શાંતિ અને આરામ પાછળ એના ગઈકાલના કેટકેટલાય ઉજાગરા અને મહેનત છુપાયેલા છે. એની ભૂતકાળમાં કરેલી મહેનતે આજે એને સફળ બનાવ્યો. દા. ત : મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અથવા તો સુપ્રસિધ્ધ એક્ટર અમિતાભ બચ્ચન. આ બંને મહાન વ્યક્તિઓ આજે જે જગ્યા ઉપર છે એ એમની મેહનત અને તેમના કામ પ્રત્યેની સાચી નિષ્ઠા ને કારણે છે. એમની કલાકો સુધીની મહેનત અને કેટકેટલીય મુશ્કેલીઓ પછી તેમને આ મુકામ હાંસલ થયો છે અને આપણને દેખાય છે તો માત્ર એમની સકસેસ. એમની સ્ટ્રગલથી આપણને કોઈ લેવાદેવા નથી. એમાંય ઓછામાં પૂરું આપણે શું કરીએ છીએ તો કે સફળ લોકોને જોઈને ફક્ત બળતરા કરીએ છીએ કે ફલાણા એ ગાડી લાવી ને ફલાણા એ બંગલો લીધો. પણ એ નથી વિચારતા કે એના  માટે એમણે મહેનત કેટલી કરી છે. તો જો આપણે પણ સફળ થવું હોય તો મહેનત ની શરૂઆત આજથી જ કરવી પડે.

એવુ જ આપણા પર્યાવરણ અને  પૃથ્વી વિશે વિચારીએ તો . આપણી આવનારી પેઢી ને સ્વચ્છ હવા, પાણી અને વાતાવરણ આપવું હશે તો એના માટે આપણે આજથી જ પ્રયાસ કરવો પડશે. પર્યાવરણ ને પ્રદૂષિત થતું અટકાવવા અને આસપાસના હવા ,પાણી અને વાતાવરણને સ્વચ્છ બનાવવા માટે આપણે જ જાગૃત થવું પડશે.

જો આપણે આપણી આવનારી પેઢી ને ટેકનોલોજી ની સાથે સ્વચ્છ પર્યાવરણ ની પણ ભેટ મળે એવું ઈચ્છતા હોઈએ તો એના માટે આપણા વર્તમાનને સ્વચ્છ ,સુરક્ષિત અને હરિયાળો બનાવવો પડશે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here