આજ ના ભણતર નો ભાર | Gujarati article
“આજકાલ જ્યાં જોવો ત્યાં બસ એક જ વાત છે તમારા લાલા ને કેટલા ટકા આવ્યા? હે ! બહુ સારું કેવાય ૯૫% તો તો સાયન્સ માં જ એડમીશન લેશો નઈ ! બાજુ વાળા કીર્તીભાઈ ના છોકરા ને તો સાવ ઓછા ટકા આવ્યા છે , જો જો ને ક્યાં એડમીશન નઈ મળે. બાળકો પર હાલ ભણતરનો ભાર ઓછો પડે એમ છે કે આ ટકાવારી વાળું વંટોળ નાવું માથે આવી ને ઉભું છે. અત્યારે બાળકો કેટલા પ્રેશર નીચે ભણે છે એતો ફક્ત એજ જાણે છે. અને એ પ્રેશર છે તેમના પરિવારજનો નું અને તેમના જ માતા પિતાનું . બાળકોને શરૂઆત થી જ જાને કે ભણવા ના બેસાડ્યા હોય પણ જાણે કે કોઈ કોમ્પીટીશન માં ઉતાર્યા હોય એમ સતત તેના માતા-પિતા દ્વારા તેમના માનસિક પર પ્રેશર અપાતું જ હોય છે. જો બેટા તારે તો પહેલો જ નંબર લાવાનો છે, જો જે હો તારા પપ્પા નું નાક ના કપાવતો, ફલાણો છોકરો જો તારા કરતા કેટલો હોંશિયાર છે …આ બધું સંભાળીને બાળકો અંદરથી સમસમી ઉઠે છે આખું વરસ તેઓ વાલીઓ ની અને સમજની અપેક્ષા માંથી પાર ઉતરવા જ જાણે કે ભણતા ના હોય એવી રીતે ભણતા હોય છે એમનું પોતાનું તો કોઈ રસ જેવું હોતું જ નથી એમાં .
Talk of the Town when result declared ” કેટલા ટકા આવ્યા?”
એમાય આજકાલ દરેક જગ્યાએ એક જ તો મોકાણ છે એડમીશનની. વાલીઓને તો તેમના બાળકો ના એડમીશન માટે જવું હોય એતો જાણે કે જંગ લડવા જવા બરાબર થઈ પડે છે . બિચારા વિદ્યાર્થીઓ માંડ માંડ આખું વરસ મેહનત કરીને પાસ થયા હોય ત્યાં કોઈનેય એ વાત ની ખુશી ના હોય પણ એ વાત ની ચર્ચાઓ વધુ હોય કે ટકા કેટલા આવ્યા? સારા ટકા આવ્યા હોય એના ગુણગાન ગવાય અને ઓછા ટકાવારી વાળા અને નાપાસ થયેલા વિદ્યાર્થી ઓ પર તો બધી જ બાજુ થી તવાઈ હોય છે. શું બાળકો કરતા તેમનું ભણતર વધારે મહત્વનું થઇ ગયું છે આપણા માટે ? એડમીશનતો હાલ સંપૂર્ણપણે જાણે કે ટકાવારી અને લાંચ જેને આપણે ડોનેશન કહીએ છીએ એનાં પર જ આધારિત થઇ ગયું છે . કાંતો ઉંચી ટકાવારી લાવી પ્રવેશ મેળવો અને કાં તો પૈસા ના જોરે ડોનેશન ભરીને . આમાં વચગાળા વાળા એટલે કે જેમની ટકાવારી સાવ ઓછી છે અને આર્થિક સ્થિતિ નબળી છે એવા વિદ્યાર્થી ઓ માટે તો કરો યા મરોની સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને જ્યાં ત્યાંથી આઘું પાછું કરીને અમુક વિધ્યાર્થીઓ એડમીશન મેળવી લે છે જ્યારે બાકીનાં બીજા નંબરનો ઓપ્શન સ્વીકારે છે. આજકાલ આપણે રોજ ન્યુઝપેપર કે ટેલિવિઝનમાં જોઈએ છીએ કે પરીક્ષા ના હાઉ કે રીઝલ્ટની બીકે કેટકેટલાય બાળકો આત્મહત્યા કરી લે છે. તો આના માટે જવાબદાર કોણ ?
* માતા-પિતાની ઉંચી અપેક્ષાઓ :
બાળકો પર બાળપણ થી જ ભણતરના ભાર કરતા માં-બાપની અપેક્ષાઓનો ભાર વધારે હોય છે. બાળકો બિચારા માતા પિતા ના સપના પુરા કરવા માટે જ જાણે ભણતા ના હોય ? તેમના પોતાના પણ સપનાઓ હોઈ શકે છે , એની તો કોઈને પરવા જ ક્યાં હોય છે. માં-બાપ હમેશા બાળકો પાસે અવ્વલ આવાની અને સારા ટકા લાવાની આશા રાખતા હોય છે પરંતુ એ એ નથી વિચારતા કે એમાં બાળક બિચારું કેટલી હદે પ્રેશરાઈઝડ થઇ રહ્યું છે. એમાય માં બાપના સપના સપના તો કંઇક અલગ જ હોય છે. તારે તો બેટા મોટા થઈને ડોક્ટર જ બનવાનું છે અથવા તો બેટ , મારું તો એજ સપનું છે કે તું એક મોટો એન્જીનીયર , વકીલ , સી.એ બને . પણ આમાં બાળકોના સપનાઓનું શું ? એવો વિચાર માં-બાપ કરે છે ખરા ? ઘણા કિસ્સાઓમાં તો બાળકોના ભણતર માટેનું ફિલ્ડ પણ બાળકો એમાં રસ મુજબ નહિ પરંતુ માતા પિતાની ઈચ્છા મુજબ અથવા અમુક કેસમાં તો માં બાપ જ ચૂઝ કરે છે . તારે આ જ વિષય લેવો જોઈએ , તારું ફ્યુચર આમાં બ્રાઈટ રહેશે . આ બધુ માં બાપ જ ડીસાઈડ કરી લેતા હોય છે.
* કંપેરીઝન (તુલના) :
બીજી સૌથી ખરાબ બાબત છે કમ્પેરીઝન જે બાળકોના મન પર બહુ વિપરિત અસર કરે છે. માતા-પિતા દ્વારા બીજા બાળકો સાથે સતત કરાતી તુલના બાળકોને હતાશ કરી દે છે. જો તારા કરતા તો તારો ફ્રેન્ડ વધારે ટકા લાવ્યો છે, તારાથી તો પેલો વધારે હોંશિયાર છે , તારે જો આગળ નીકળવું હોય તો એના કરતા વધારે ટકા લાવા પડશે આવી બધી વ્યર્થ તુલનાઓ ના લીધે તેઓ નાસીપાસ થઇ જાય છે.અને ઘણા એવા બાળકો છે જેઓ માનસિક તાણ કે વધુ પડતા પ્રેશર ને કારણે માનસિક રોગો નો ભોગ બને છે અને કેટલાય તો આત્મહત્યા પણ કરી લે છે . આવામાં જવાબદાર ભણતર નહિ પરંતુ ખુદ તેમના પોતાના માં-બાપ જ હોય છે. બાળકો ખુદ પરિવારની અને માતા-પિતા ની ઇચ્છાઓ અપેક્ષાઓ હેઠળ એટલા દબાઈ જાય છે કે તેમનો વિકાસ અટકી જાય છે. અને બાળક હમેશા એક માનસિક તાણ હેઠળ જીવતું થઇ જાય છે.
* એડમીશન નો હાઉ :
આજકાલ તો પરીક્ષા ના હાઉ કરતા તો એડમીશન નો હાઉ વધારે વધી ગયો છે. સારા ટકા લાવશો તો જ સારી સ્કૂલ અથવા તો સારી કોલેજમાં એડમીશન મળશે. એવો ડર પહેલેથીજ બાળકો ના મન માં બેસાડી દેવામાં આવે છે અને એજ હાઉ ને કારણે બાળકો એક્ઝામ માં સારું પરફોર્મ નથી કરી શકતા. અને એડમીશન ની પ્રક્રિયા પણ જાણે કે મહાભારત ના ચક્રવ્યૂહ કરતા ઓછી નથી હોતી . બિચારા વિદ્યાર્થીઓ માંડ પરિક્ષા ના પ્રકોપમાંથી ઉગર્યા હોય અને ત્યાં તો બીજી એડમીશન નામની મહા મુશીબત તેમના માથે આવીને ઉભી જ હોય. એમાં બિચારા બાળકો રીલેક્ષ શું થાય ? એમાય એડમીશન નું વધારે ટેન્શન બાળકો કરતા તો એમના માં બાપને વધારે હોય છે. મારા દીકરા કે દીકરી ને સારી કોલેજ કે સ્કૂલ માં એડમીશન મળશે કે નઈ ? અને એમાંય પાછા કેટકેટલાય કાગળિયાં ને કેટકેટલાય ધક્કા તો ખરા જ . એમાય જો એડમીશન ન મળે તો બિચારા બાળકો ઉપર જ તવાઈ , તને કહ્યું હતું કે બરાબર ભણજે , સારા ટકા લાવજે નઈ તો ક્યાય એડમીશન નઈ મળે . અરે પણ તમારા આટલા બધા પ્રેશર વચ્ચે પણ બાળક બિચારું ભણ્યું મહેનત કરી અને એમાય જો વધુ ટકા નાં આવ્યા તો એમાં એનો શું વાંક ?
* શિક્ષણ માં ભ્રષ્ટાચાર :
આજકાલ ભ્રષ્ટાચાર કયા નથી , શિક્ષણ જગતમાં પણ ભારોભાર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, જેનું તાદર્શ ઉદાહરણ છે એડમીશન પ્રક્રિયા માં લેવામાં આવતું ડોનેશન. આજકાલ તો જાણે ડોનેશન વગર તો એડમીશન જ શકય નથી. કેજી થી માંડીને કોલેજો સુધી ડોનેશન નામનો સાપ સૌને ભરખી ગયો છે જાણે . એડમીશન લેવું હોય તો લાંચ તો આપવી જ રહી. હા આને લાંચ નહિ તો બીજું શું કહેવું ? આજે શિક્ષણ એક વ્યાપાર બની ગયું છે , જેમાં બસ જ્ઞાન વહેંચાતું નથી પણ વેચાય છે. હવે તો સરકારે જાહેરાત કરી દીધી છે કે કોઈ શાળા ડોનેશન લઇ શકશે નહિ, પણ જોઈએ તેનો અમલ થાય છે કે નહિ.
બોર્ડના પરિણામો બાદ દેખાડા અને ચડસાચડસીના વાતાવરણમાં વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી ના પડે અને પરિણામ નબળું આવવા માત્રથી જ તેઓ જીંદગી નો જંગ હારી ગયા નથી તેવી ભાવના જાગે તે માટે ઓએસિસ દ્વારા વિદ્યાર્થી સ્વાભિમાન રેલી અને યુવા પ્રતિભા સન્માન જેવા કાર્યક્રમો યોજ્યા એ ખુબજ ઉમદા કાર્ય કર્યું છે.આનાથી નાસીપાસ અને હતાશ થઇ ગયેલા વિદ્યાર્થીઓ ને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને તેઓ પણ નવા જોશ સાથે ફરીથી આગળ વધી શકશે.