ખરેખર દામ્પત્ય જીવનની મજા જ કંઇક અલગ છે.એમાં ખાટા મીઠા ઝઘડા અને ક્યારેક રિસામણા મનામણાં આ બધુ તો ચાલ્યા જ કરતું હોય છે પરંતુ પ્રેમ અને વિશ્વાસના તાંતણે આ સંબંધ દિવસે અને દિવસે વધુ ગાઢ બનતો જાય છે. તો આવો જોઈએ લગ્ન એટલે શુ ? થોડા ખાટા મીઠા અને રમૂજી અંદાજમાં.
(૧) લગ્ન એટ્લે “સાંભળો છો” થી લઇને “બેરા થઈ ગયા છો” સુધીની સફર :-
નવા નવા લગન થયા હોય ને ત્યાં તો પત્ની પતિને કાંઈ પણ કહેવુ હોય તો પ્રેમ થી સાદ કરે, “કહું છું સાંભળો છો”. સાંભળીને એટલું તો મીઠું લાગે કે પતિદેવ બધુંય કામ પડતું મૂકીને દોડતા આવે . જ્યાં લગ્ન ને ૮/૧૦ વર્ષ થાય ત્યાં તો વાઇફ સાદ નહીં પણ બૂમ પાડે “ક્યારની બોલવું છું , સાંભળતા નથી ,બેરા થઈ ગયા છો. બોલો ક્યાં પેલું “કહું છું સાંભળો છો ” અને ક્યાં આ “બેરા થઈ ગયા છો”. બિચારો પતિ તોય એક જ બૂમે દોડતો તો આવી જ પહોંચે.
(૨) લગ્ન એટલે “આમ આવો” થી લઈને, “આઘા જાઓ” સુધીની સફર :-
સગાઈ થાય ત્યારથી લઈને મેરેજ સુધીનો પિરિયડ છોકરા અને છોકરી માટે ગોલ્ડન પિરિયડ હોય છે. છોકરો છોકરી ક્યાંક ફરવા ગયા હોય અને છોકરીને કંઇક કંઇક કહેવું હોય છોકરા ને તો કહેશે, “કહુ છું આમ આવો તો” મારી પાસે તો બેસો થોડી વાર , છોકરો કે તારા માટે કઇંક ઠંડુ કે આઈસ્ક્રીમ લેતો આવું, તો કહેશે ના કશું નહીં તમે બસ મારી પાસે બેસો.અને જેવા લગ્ન થાય કે થોડા જ સમયમાં બિચારો એજ છોકરો જે હવે પતિ બનીને પતી જ ગયો હોય એ સહેજ એજ છોકરી જે હવે પત્ની બની ગયી હોય એની પાસે બેસવા આવશે એટલે એ કહેશે “આઘા જાઓ ને” આટલી ગરમી છે ને વળી પાછા એમાં તમે ચોંટીને બેસો છો. બોલો આ એજ બાઈ છે ને જે પહેલા આ ભાઈને પોતાના જોડે થી ખસવા પણ નહોતી દેતી.
(૩) લગ્ન એટલે “તમેઁ મળ્યા એ નસીબ”થી લઈને, “મારા ફૂટેલા નસીબ” સુધીની સફર :-
મેરેજ ના થોડા સમય સુધી તો બધું એવું મીઠું મીઠું લાગતું હોય અને બેય જણા એકબીજા માં જ ખોવાયેલા રહતા હોય. એમાંય પતિ તો રોજ પત્ની ને ક્યાંક ને ક્યાંક બહાર ફરવા લઇ જતો હોય. એટલે પત્નીય પાછી કહે કે,”મારા સારા નસીબ કે મને તમે મળ્યા” ને પતિયે ફુલાઇ ને ફરતો હોય .પણ જેવા થોડા વર્ષો વીતે કે આજ ડાયલોગ બદલાઈ જાય. જેવી થોડી મગજમારી થાય કે તરત જ પત્ની કહેશે કે “મારા તો નસીબ જ ફૂટેલા કે તમે મળ્યા”. પહેલા નસીબ સારા હતા .પછી ફૂટી ગયા બોલો.
(૪) લગ્ન એટલે “તમે રેવા દો” થી લઈને, “મહેરબાની કરી ને તમે તો રેવા જ દો” સુધીની સફર :-
નવા પરણેલા પતિ પત્ની માં જબરો પ્રેમ હોય. પત્ની રસોડા માં રસોઈ બનાવતી હોય અથવા ઘરમાં બીજું કઇંક કામ કરતી હોય એટલે પતિ તેની પાસે આવીને પૂછે . તું બહુ થાકી ગયી હોઈશ લાવ તને થોડી મદદ કરું. ત્યારે પત્ની ને પાછું ગમતું તો હોય કે પેલો મદદ કરે .તોપણ પ્રેમ થી મીઠો ઠપકો આપતા કે ,”તમે રહેવા દો” હું છું ને હું કરી લઈશ. આજ પતિ જ્યારે લગ્ન ના ૨૦ માં વર્ષે પત્ની ને મદદ કરવા જાય ને કામ માં ત્યારે કેવો જવાબ આવે સામે ખબર છે? “મહેરબાની કરીને તમેં તો રહેવા જ દેજો” ઉલટાનું મારું કામ વધારશો. હવે આ બાયું ને કેમ કરીને પોકાય.
(૫) લગ્ન એટલે “માની જા” થી લઈને, “તેલ પીવા જા” સુધીની સફર :-
પત્નીઓ ની બહુ વાત થઈ ગયી, પતિઓ પણ કાંઈ ઓછા નથી હોતા.લગ્ન થયા હોય ત્યાં શરૂ શરૂમાં તો પત્નીને આમ હથેળી માં રાખતા હોય. એની દરેક વાત માં હા તું કે એમ. થોડું પત્નીનું મોઢું વાંકુ જોવે કે પહોંચી જાય .શુ થયું મારી જાનું ને ,કોઈએ કાંઈ કહ્યું ઘરમાં , કેમ બોલતી નથી,સોરી યાર બોલને . અને પછી લગન ને જયાં ૧૦/૧૫ વરસ થયા ને પેલી મોઢું ચડાઈ ને ઘરમાં ફરતી હોય તોય ભાથી ને જરાય ફરક ન પડે . પણ આતો શુ છે થોડું દેખાડવું તો પડે ને એટલે જરા દેખાવ માટે પૂછે , શુ થયું તને , પેલી ના બોલે , તો બીજી વાર પૂછે ને તોય ના બોલે તો કે “ના કેહવું હોય તો તેલ પીવા જા” . એટલે જાનું-ચીકુ-સોનુ આ બધું શરૂઆત માં જ હોય પછી તો બધું ચાલ્યા કરે .
(૬) લગ્ન એટ્લે “ક્યાં ગઇ વ્હાલી” થી લઇને,”ક્યાં મરી ગઇ” સુધીની સફર :-
નવી નવી પરણીને આવી હોય ત્યારે દરેક સ્ત્રીએ આ શબ્દો સાંભળ્યા જ હશે. “કયાં ગઈ વ્હાલી (કયાં છે તું ડીયર)”. જરા ઘરમાં પત્ની ન દેખાય કે તરત જ પતિ શોધવા માંડે.એય પાછું પ્રેમ થી “ક્યાં છે તું ડીયર “. આજ ડીયર ૧૦ વર્ષે એની ની એજ હોય. તોય ઘરમાં ક્યાંય દેખાતી ન હોય અને પતિ ને કઈંક કામ હોય તોજ શોધે પાછા અને પ્રેમથી સાદ નહિ બૂમ માટે “ક્યાં મરી ગયી” આ મારો રૂમાલ જડતો નથી, ને મારી ઓફિસની બેગ ક્યાં મૂકી છે. બોલો આટલા વરસો માં પ્રેમ ક્યાં જતો રહે છે ખબર નહીં.
(૭) લગ્ન એટલે “તારા જેવુ કોઇ નથી” થી લઈને,”તારી જેવી ઘણીયે છે” સુધીની સફર :-
લગ્નજીવનની શરૂઆતમાં તો પતિને પત્ની સિવાય બીજું કોઈ દેખાતું જ ન હોય.આખો દિવસ બસ પત્ની ના વખાણ તું તો આમ ને તું તો તેમ ને. તારા જેવું તો કોઈ નહિ ને. તારા વગર તો મને ન ફાવે જરાય .પણ આ બધું થોડા વરસ જ સારું લાગે .પછી તો જરાક પતિએ કઈક કીધું ને પત્ની એ ન કર્યું કે કઈક બોલી સામે તો તો કુતરા બિલાડાં ની જેમ ઝઘડી પડે. જે પતિ શરૂઆતમાં એમ કહેતો હોય કે “તારા જેવી તો કોઈ નહીં” એજ કહેવા માંડે “જા જા તારા જેવી તો બહુ જોઈ”. હવે આમને કેમ કરીને સમજાવવા કે એ બધી તમારા ઘરના કચરા પોતા કરવા ને તમારા છોકરા મોટા કરવા નહીં આવે. એતો તમારી બૈરી જ કરશે .