∝  ફેશન એજ કે જે વ્યક્તિત્વને શોભાવે

        પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યક્તિત્વ ની ઓળખ છે. સુંદરતા ની વ્યાખ્યા તો દરેકના માટે અલગ અલગ હોય છે પરંતુ દેખાવે સુંદર એજ કહેવાય છે જેનું આખું વ્યક્તિત્વ આકર્ષક કે સુંદર હોય. વ્યક્તિત્વને સુંદર બનાવવા માં સુંદર અને સુવ્યવસ્થિત પોષકો નો પણ મહત્વનો ફાળો છે.આમ તો પોશાક એ દરેકની પોતાની આગવી પસંદ ઉપર આધારિત છે , છતાં પણ પોશાક હંમેશા એવો પસંદ કરવો કે જે તમારા શરીર ના ઘાટ અને રંગ ને અનુરૂપ હોય. ખાસ કરીને સ્ત્રીઓ માટે પોશાક એ એમના અંગનું એક ઘરેણું છે. સ્ત્રીઓ એમના પરિધાન ને લઈને ખુબજ સજાગ હોય છે. નવા નવા રંગો , નવી નવી સ્ટાઇલ સદાય ટ્રાય કરતી આવી છે સ્ત્રીઓ.

         સ્ત્રીઓ ના પોશાક માં સાડી, સલવાર-કુર્તા , જીન્સ , સ્કર્ટ, ફ્રોક અને ચણિયાચોળી જેવા ઘણા બધા પરિધાનો છે. પહેલાના જમાનામાં સતીઓ ફક્ત સાડી જ પહેરતી હતી ,પરંતુ હવે તો ડ્રેસ , કુર્તી -લેગિન્સ , જીન્સ , સ્કર્ટ વગેરે ની ફેશન છે. આજની સ્ત્રીઓ ટ્રેન્ડ સાથે ચાલે છે. કપડા માં નિત્ય નવા અખતરા મારવામાં પાછી પડતી નથી.પરંતુ એ હંમેશા યાદ રાખવું જોઈએ કે ફેશનનું ફક્ત આંધળું અનુકરણ કરવું એ યોગ્ય નથી.પોશાક એવો પહેરવો કે જે તમારા શરીર ને અનુરૂપ હોય સાથે સાથે દેખાવ માં પણ સુંદર હોય. કોઈપણ પોશાક પહેરો ત્યારે એ તમારા શરીર પર ફીટ બેસે છે કે નહિ,એનો રંગ તમને શોભશે કે નહિ એ ખાસ જુઓ. અને એને પહેર્યા પછી પણ અરીસા સામે ઉભા રહી એક વાર તમારી જાતનું જાતે નિરીક્ષણ કરી જુઓ. તમને સંતોષ થાય કે એ પોશાક બરાબર છે પછી જ પહેરીને બહાર નીકળો નહીતો ક્યાંક એવું ના બને કે તમે બધા વચ્ચે હાંસીપાત્ર બની જાઓ.

         આજકાલ ટીવી સિરિયલો અને બોલિવૂડની ફિલ્મોનું આંધળું અનુકરણ કરીને યુવતીઓ અને સ્ત્રીઓ ફેશન પાછા ગાંડી થઈને વગર વિચારે દેખાદેખીમા ગમે તેવા કપડાં પહેરે છે , અને બ્યુટીફૂલ અને ફેશનેબલ દેખાવા માટે ઘણીવાર તેઓ જે પ્રકારના ઉત્તેજક અને અંગપ્રદર્શન વાળા કપડાં પહેરે છે તેના લીધે તેઓ જાહેર માં મજાકને પાત્ર બને છે અને કયારેક અમુક સંજોગોમાં છેડતીનો ભોગ પણ બને છે. એટલે માત્ર ફેશન ખાતર નહિ પરંતુ આપણા શરીર પર જે સારા લાગે એવા કપડાં પહેરવા જોઈએ.

          કઈ જગ્યાએ કેવા કપડાં પહેરવા એ પણ ખુબજ મહત્વની બાબત છે. તહેવારો માં , લગ્નપ્રસંગે સાડી ખુબજ સુંદર લાગે છે. સાડી આમ પણ ખૂબજ ગરિમાપૂર્ણ અને સ્ત્રીના રૂપને નિખારતું વસ્ત્ર છે. ઓફિસમાં જોબ કરતી મહિલાઓ પણ સાડી પહેરી શકે છે,પણ એ ધ્યાન રાખવું કે કાર્યસ્થળે બહુ ભપકા વાળી કે વર્કવાળી સાડી સારી નથી લાગતી, ત્યાં તમે કોટન ની કે બીજી કોઈપણ સિમ્પલ સાડી પહેરી શકો છો. ઓફિસમાં સલવાર કુર્તા પણ પહેરી જય શકાય અને જીન્સ પણ પરંતુ ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે, કે તમે જે પણ કપડા પહેરો એ વધારે પડતા તંગ કે બહુ ઢીલા પણ હોવા જોઈએ. શરીર ને અનુરૂપ ફિટિંગ વાળા હોવા જો ઈએ.

        હવે વાત રહી એ કે પાતળી છોકરીઓ કેવા કપડાં પહેરવા અને જાડી છોકરીઓ એ કેવા? આમતો પાતળી એટલે કે શરિર માં સપ્રમાણ હોય એવી છોકરીઓને દરેક પ્રકાર ના કપડાં સારા લાગે છે, પરંતુ અતિશય પાતળી હોય એવી છોકરીઓ એ ખુબજ ફિટ કપડાં ના પહેરવા જોઈએ. કેમકે એનાથી તેઓ વધારે પાતળા દેખાશે. અને તેવુંજ અતિશય જાડી હોય એવી છોકરીઓએ ખુબજ ઢીલા કપડાં ના પહેરવા જોઈએ તેનાથી તે વધારે જાડી લાગી શકે છે. સ્થૂળશરીર ધરાવતી છોકરીઓએ આછા રંગના તેમજ ઝીણી ડિઝાઇન વાળા કપડાં પહેરવા જોઈએ જેથી તેઓ વધારે સ્થૂળ ના લાગે. તેવીજ રીતે જે છોકરીઓના પેટનો ભાગ વધારે હોય તેમણે કમર સુધી સહેજ ફિટિંગ વાળા અને કમરથી નીચે ના ભાગે સહેજ ખુલતા રહે એવા ડ્રેસેસ પહેરવા જોઈએ.

       આ રીતે જુદી જુદી શારીરિક રચના અનુસાર અલગ અલગ અને રંગ ,ફિટિંગ અને દેખાવ ને અનુરૂપ વસ્ત્રોની પસંદગી કરવી જોઈએ. આમ તમે જો યોગ્ય કપડાંની પસંદગી કરશો તો એને પહેરીને તમે બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર અને પ્રશંસા ને પાત્ર બનશો.કેમકે શરીરને અનુરૂપ પરિધાન જ તમારા વ્યક્તિત્વ ને નિખારે છે અને ગરિમાપૂર્ણ , સુંદર અને આકર્ષક પોશાક જ નારીની સુંદરતા માં ચાર ચાંદ લગાડી શકે છે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here