દીકરી મારા ઘરનો દીવો,
            અજવાળા ની હેલ.
            દીકરી એટલે રોજ દિવાળી,
            સુખની રેલમછેલ.

                      પ્રથમ નજરે જોતા તો આ માત્ર કોઈ કવિ દ્વારા રચાયેલ સુંદર પંક્તિઓ લાગશે, પરંતુ સાચા અર્થમાં જોઈએ તો આ એક પિતા ની તેની દીકરી પ્રત્યેની કૂણી લાગણીઓ અને પ્રેમ છે જે આ પંક્તિઓ માં વ્યક્ત થાય છે.

                      જગતમાં માઁ નો પ્રેમ તો કોઈ ના તોલે આવે એમ નથી અને અઢળક ગ્રંથો એની ઉપર લખાઈ ચુક્યા છે, પરંતુ પિતા ના પ્રેમ ને વ્યક્ત કરતા પુસ્તકો ખાસ જોવામાં નથી આવતા,કે ખાસ એટલો બધો કોઇ વિશિષ્ટ મહિમા પણ પિતા પ્રેમ નો વર્ણવાયો નથી ક્યાંય. પરંતુ એનાથી શું એક પિતા નો પોતાના બાળકો પ્રત્યે નો પ્રેમ એક માતા કરતા ઓછો આંકવો જોઈએ ? ના ખરેખર તો પિતા પણ તેના બાળકોને એટલો જ પ્રેમ કરે છે જેટલો કે એક માતા. ફરક તો માત્ર એટલો જ છે કે પિતા બાળકો પ્રત્યે ની એમની લાગણી,પ્રેમ,ફિકર અને જવાબદારી એક સાથે બજાવે છે પણ એ વ્યકત જલ્દી કરતા નથી એટલે બાળકો ને એમનો પ્રેમ માઁ કરતા ઉણો ઉતારતો લાગે છે. પિતા માટે પણ દીકરો અને દીકરી એક સમાન જ છે પરંતુ દીકરી માટે એક પિતા ના હૃદયમાં સવિશેષ સ્થાન હોય છે.

anushka-sharma-with-her-father
Anushka Sharma with her loving Father

                   આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાપ દીકરી ના સબંધની. માન,મર્યાદા,આદર અને આત્મીયતા સાથે પાંગરતો પ્રેમ એટલે પિતા-પુત્રી નો પ્રેમ. બાપ માટે જો એનો દીકરો એના બે હાથ સમોં તેની હિમ્મત જેવો છે. તો દીકરી તો બાપ ના જીવનને ધબકતું રાખતું તેનું હૃદય છે.
દરેક બાપ માટે તેની દીકરી એનું માન અભિમાન હોય છે. જયારે દીકરી માટે તેના પિતા એજ એના રોલ મોડલ અને એજ એના સુપર હીરો હોય છે. દીકરી ને મન તો દુનિયા નો સૌથી સારો અને પ્રેમાળ પુરુષ એટલે તેના પિતા. માઁ નો પ્રેમ તો દીકરી માટે અતુલ્ય જ છે પરંતુ પિતાનો વ્હાલ થી માથે ફરતો હાથ દીકરી ને સદાય જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓ થી સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે.

                 દીકરી નો જન્મ એક પિતા માટે જવાબદારીનું ભારણ નહિ પરંતુ તેની વ્યક્તિત્વ ની પૂર્ણતા નો અહેસાસ કરાવતું અને સપનાઓ નવી શરૂઆત કરાવતો કુદરત નો સુંદર સંજોગ છે. જન્મ થી લઈને પિતાના ખોળામાં રમતી, પા-પા પગલી ભરતી, કાળું ઘેલું બોલતી, પપ્પા ની આંગળી પકડીને શાળાએ જતી અને જુવાનીના ઉંબરે પગ મુકતા જ કોલેજ ના આઝાદ વાતાવરણ માં વિચરતી દીકરી ના હૃદય માં તેના પિતાના વ્હાલ , વિચારો અને સંસ્કારો ની છાપ હંમેશા રહે છે. જયારે દીકરી ની ઉમર સાથે પિતાનો તેના પ્રત્યે નો પ્રેમ અને ગર્વ પણ વધતો જાય છે.

parineeti-chopra-with-her-father
Parineeti Chopra with her loving Father

                 દીકરી ના જન્મ ની સાથે જ પિતાના સપનાઓની પણ શરૂઆત થઇ જાય છે. એના ઉછેર થી માંડીને એના જીવનના ઘડતર માં એક પિતા ક્યાંય કચાશ રાખવા માંગતા નથી. પોતાની દીકરી ને જીવનમાં ક્યાંય કોઈ વાતે ઓછું ના આવે એના માટે રાત દિવસ એ પ્રયત્ન કરતા રહે છે. અને બીજી બાજુ બાપ જ્યારે દિવસ ભાર ના કામોથી, સમસ્યાઓથી અને સંજોગો થી થાક્યો પાક્યો સાંજે ઘેર આવે છે ત્યારે દીકરી હાથમાં પાણી ના ગ્લાસ સાથે એની રાહ જોતી ઉભી હોય છે. અને જ્યાં દીકરી “પપ્પા” એવા સંબોધન થી પિતા ના ગળે વળગી જાય છે ત્યાં તો પિતા નો થાક એક ક્ષણમાં ગાયબ થઇ જાય છે. પપ્પા એવું પ્રેમ ભર્યું સંબોધન પિતા ને લૂ થી તપતા દેહમાં પાણી ની ઠંડી છાલક જેવો અહેસાસ કરાવે છે. અને પળભરમાં એ પોતાનો થાક ભૂલી જઈ દીકરી ની વાતો, ફરિયાદો અને માંગણીઓ માં ખોવાઈ જાય છે.

sonakshi with shatrugna sinha
Sonakshi sinha with her loving Father

                       કહેવાય છે કે એક દીકરી બાપ પાસે ક્યારેય કશું માંગતી નથી પરંતુ સાચું તો એ છે કે બાપ એને ક્યારેય માંગવું પડે એવો સમય આવવા દેતો જ નથી. એના વગર માંગ્યે અને વગર કહ્યે જ એની બધી જ ઇચ્છાઓ અને માંગણીઓ પુરી કરી દેતો હોય છે. દીકરી નો જન્મ થાય ત્યારથી જ એક પિતા ને ખબર હોય છે કે એક દિવસ એને પોતાના થી અળગી કરવી જ પડશે, પરંતુ એનું મન એ વાત ક્યારેય સ્વીકારતું જ નથી. દીકરીને પરણાવીને વળાવવાનો વિચાર માત્ર તેને ધ્રુજાવી મૂકે છે. દીકરીની વિદાય વખતે એક પિતાના મનમાં એના ઉજ્વળ ભાવિષ્ય માટેના આશીર્વાદ અને પ્રાર્થનાઓ તો હોય જ છે. પરંતુ સાથે સાથે અંતરની એક એવી ઈચ્છા કે કેમ કરીને મારી દીકરીને રોકુ , કેમ કરીને થોડો સમય વધારે રહું એની સાથે.એનું મન માનતું નથી એને બીજાને સોંપતા. શું એની દીકરી ને બીજા ઘેર પોતાના જેવો પ્રેમ મળશે ? કોને એ બધી ફરિયાદો , માંગણીઓ કહેશે? એવી ચિંતા એને કોરી ખાતી હોય છે. આ મૂંઝવણો અને ચિંતાઓની વચ્ચે એ વિચાર એના મનમા રમતો રહે છે કે મારી દીકરી મારી પાસે થોડી વાર વધારે રહે , કેમ કરીને રોકુ એને ? આવા પ્રસંગે સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી કીર્તિદાન ગઢવી એ ગાયેલા બાપ દીકરી ના ગીતની આ સુંદર અને ભાવુક કરી દેનારી પંક્તિઓ યાદ આવે છે.

             ઓ રે ઓ પારેવડાં , તું કાલે ઉડી જા જે રે !
             મારી હાટુ , રહી જાને આજ ની રાત.

                     બાપ કહે છે તું આજ જાય છે એવી કાલે જજે ,મારી ખાતર તું આજનો એક દિવસ વધુ અહીં રોકાઈ જા. દીકરી ની વિદાય વખતે પિતા એ આજ સુધી સંઘરી રાખેલી તેની ધીરજ અને હિમ્મત નો બંધ તૂટી જાય છે. અને ગમે તેટલો મજબૂત મન નો બાપ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. બીજી બાજુ પિતાથી વિદાય લેતી દીકરી પણ પપ્પા ની જેમ કોણ એની સંભાળ લેશે એ વિચાર માત્ર થી જ ભાંગી પડે છે. છતાં પણ પોતાના આંસૂઓ ને રોકીને એ પિતાના આંસુ લૂછતાં કહે છે, ” પપ્પા તમે મારી ચિંતા ના કરતા, તમારું ધ્યાન રાખજો ” . આમ, દીકરી જતા જતા પણ પિતાના દિલને દિલાસો આપતી જાય છે.

              આમ બાપ માટે દીકરી એટલે ક્યારેક ઢીંગલી ક્યારેક પરી તો ક્યારેક મન ના ટોડલે ટહુકતી કોયલ જેનાથી એનું આંગણું સદાય ગુંજતું રહે છે. એક પુરુષ જીવનમાં ક્યારેય કોઈ સામે નમતું મુકતો નથી સિવાય કે તેની દીકરીના સામે. ક્યારેક એની ફરિયાદો તો ક્યારેક એની શિખામણો મૂંગા મોઢે સાંભળી છે. આ છે એક પિતાનો પુત્રી પ્રત્યે નો પ્રેમ અને સામે દીકરી પણ પિતા ની આજ્ઞા હય કે કોઈ પણ વાત ક્યારેય અવગણતી નથી. જીવન માં જો માઁ ના કોઈ મોલ ના હોય તો બાપ નો પણ કોઈ તોલ નથી. એનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. પિતા પુત્રી ની વાતો અને યાદો એટલી છે કે લખવાનો ક્યારેય અંત જ ના આવે. પિતા નો પ્રેમ પણ માતા ના પ્રેમ સામો અજોડ અને અતુલ્ય જ છે.

twinkle-khanna-with-her-father
Twinkle Khanna with her loving Father
sonam-kapoor-with-her-father
Sonam Kapoor with her loving Father

                  મિત્રો , ફરી ક્યારેક સમય મળશે તો જરૂર થી ફરી એક વાર પિતા અને પુત્રી ના સ્નેહની સરવાણી માં ડૂબકી મારી લઈશું અને વધુ સારી અને રસપ્રદ વાતો કરીશું બાપ દીકરી ના સંબંધની. આ સાથે દીકરી દ્વારા એના પિતા ને સંબોધીને ગવાયેલી પંક્તિ દ્વારા વિરામ લઈશું.

        ” તારી લાડકી મેં છોડુંગી ના તેરા સાથ “

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here