” મોર બની થનગાટ કરે,મન મોર બની થનગાટ કરે “
આ સુંદર પંક્તિઓ જેના પર લખાઈ છે એવું આપણું સદાય થનગનતું અને આમ તેમ વિહરતું મન કોઈનાથી બાંધ્યું બંધાય છે કે રોક્યું રોકાય છે. એતો એનું ધાર્યું જ કરાવે છે આપણી પાસે . ક્યારેક તો મને લાગે કે મન આપણું નથી આપણે મનના છીએ . કેમ કે આપણે કહીએ છીએ એ મન નથી કરતુ પરંતુ મનનું ધાર્યું આપણે કરીએ છીએ .
ખરેખર તો આપણી ઈચ્છા , પસંદ , મરજી બધું મન ને આધીન જ છે. કે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો મન રાજી હોવું એ પહેલા જરૂરી છે એટલે જ તો કોઈકે ખૂબજ સરસ કહ્યું છે કે “મન વગર માળવે ન જવાય ” . એવી જ રીતે પસંદગી ની વાત આવે તો પણ મનગમતું તો પહેલા જ આવે છે. ખરા અર્થમાં તો તન અને મન એકબીજાના પૂરક છે , બંને એક બીજા વગર અધૂરા જ કહેવાય. જીવનમાં આમ જોવો તો જ્યાં જુઓ ત્યાં જીવની જંજાળ એટલે કે મનની જ માયા છે. મન જ કોઈપણ વસ્તુ તરફ આપણને આકર્ષિત કરે છે પછી જ તેને પામવા માટેની લાલસા જાગે છે અને એ પણ મનમાં જ તો. પણ મારું તો ખરેખર એવું માનવું છે કે ઈશ્વર એ આ અદભૂત્ત દુનિયા જોવા જીવવા અને માનવા માટે જ તો બનાવી છે , એની સુંદરતા ને માણવાની જ તો હોય અને કોઈ પણ સુંદર વસ્તું કે વ્યક્તિ પ્રત્યે મનમાં ભાવ જાગે એ સામાન્ય છે , કેમ કે જે મનમાં કોઈ ભાવ જ ના હોય એ મન જ શું કામનું ?
મારું તો એવું માનવું છે કે પ્રભુ ભક્તિ માટે મનને સાવ જીવનની માયા માંથી વિરક્ત કરી દેવાની જરૂર નથી. પરંતુ, જરૂર છે તો ફક્ત એને શુદ્ધ કરવાની. ભગવાન આપણને એવું નથી કહેતા કે સંસાર ના બધા સુખને ત્યાગી કે પછી મનની બધી ઈચ્છાઓ ને મારી કે મનમાં ધરબી દઈને મારી ભક્તિ કરો . પણ ભગવાન તો એમ કે છે સંસાર માં રહીને , તમારા બધા કર્તવ્યોનું પાલન કરતા રહીને સાથે સાથે મારી ભક્તિ કરો . અને અને મનને મારીને કે ઈચ્છાઓને છોડીને નહિ પરંતુ મુક્ત અને શુધ્ધ મને અને સાથે સાથે તમારી સારી ઈચ્છાઓને પણ પુરતું માન આપીને મારી ભક્તિ કરો. ભક્તિ માટે સંસાર ત્યાગવાની કે બધું છોડવાની કંઇજ જરૂર નથી , જરૂર છે તો માત્ર આ બધાની સાથે શુધ્ધ અંતઃકરણ રાખી ને દ્રઢ મનથી , શ્રધ્ધા થી ભગવાન ને ભજવાની .
ભલે મનનું માનીને ચાલીયે તોય મન તો સદાએ આપણું માનીતું જ રહેવાનું. કેમ કે ભલે આપણે સાંભળીએ બધાનું પણ ધાર્યું તો મનનું જ કરીએ છીએ ને. આમ ભલે આપણો મન પર કાબૂ ના હોય પણ મનનો આપના પર પૂરેપૂરો કાબૂ હોય છે .ગમે તે હોય પણ આપણે સહુ જાણીએ છીએ કે જ્યારે આપણને આપણા મનનું ધાર્યું કરવા મળે ત્યારે એનો આનંદ શું હોય છે . પણ એ પણ છે કે મન ધારે તો ઉંચી અટારીએ પણ બેસાડે અને એ ધારે તો ટોચે થી તળેટી એ પણ લાવી દે . આમ જોવા જઈ એ તો આ બહુ સારું – નરસું , આ નહિ ને પેલું , પેલું વધારે સારું ને પેલું કેમ ખોટુ આ બધી મનની જ મોકાણ છે. કેમ કે મન ને જ ગામ આખા ના ભેદ અને મનને જ બધાય ની ચિંતા . આમ પ્રેમ હોય એ ઘૃણા બેઉ મનમાં જ પાંગરે. પણ આપણા ઉપર છે કે સાથ કોનો આપવો અને કોની સાથે આગળ વધવું.
પ્રેમ માં પણ એવું જ છે , એક્વાર જ મનમાં વસી ગયું એ પછી જીવનભર મનમાં અંકિત થઇ જાય અને એકવાર જે મનમાં થી ઉતરી ગયું એ લાખ પ્રયત્નો છતાં મનમાં વસાવવું મુશ્કેલ છે. કેમ કે મનગમતી હોય કે મનનો માણીગર એને પસંદ તો આપણું મન જ કરે છે ને . પછી ભલે ને એ દુનિયા માટે ગમે તેવું જ ના હોય પણ આપણા માટે તો એજ આપણી દુનિયા . કોઈ કે કહ્યું છે ને કે , ” રાજા ને ગમે એ રાણી , પછી ભલે ને છાણા વીણતી આણી ” . એકવાર મને ગમી ગયું પછી એ આપણું પ્રિયપાત્ર ભલે ને દુનિયા માટે ખરાબ , ગમે તેટલી બુરાઈઓ હોય એનેમાં પણ આપણે મન તો એજ સર્વસ્વ બની જાય છે. એવી જ રીતે મનદુખ ની વાત પણ કંઇક એવી જ છે એકવાર શરીર પર પડી ગયેલા ઘાવ તો મટી પણ જાય પરંતુ મન પર પડેલા ઘાવ જલ્દી રુઝાતા નથી. આપણું મન એટલું નાજુક હોય છે કે કોઈની ઉપેક્ષા , નારાજગી કે ઠપકો સહન નથી થતો એનાથી પણ એનાથી ઉલટું કોઈના કરેલા વખાણ-પ્રશંસા કે પ્રેમ ભર્યા બે બોલ આપણને એટલા જ મીઠા લાગે છે જેટલો કોઈનો કટાક્ષ કડવો લાગે છે.
મન એટલું અટપટું છે ને કે એના ભાવ કળવા એટલા સહેલા છે , એમાય કાળા માથાનો માનવી તો એટલો બાહોશ છે કે છે એના ચહેરા ના હાવભાવ પરથી એના મનમાં શું છે એ તમે કલ્પી સુધાં ના શકો. કોઈ પ્રત્યે નો સારો ભાવ હોય તો પણ એ મનમાં જ જન્મે છે અને ખરાબ ભાવ પણ મનમાં જ જન્મે છે , પરંતુ આપણી ભાવના જ સારી હશે તો મનમાં પણ ભાવ આપોઆપ સારો જ પ્રગટશે . એટલે જ કહ્યું છે ચહેરો નહિ મન જુઓ . કેમ કે મન સુંદર હશે તો એની સુંદરતા તમારું જીવન દીપાવશે પરંતુ જો સુંદરતા માત્ર તનની જ હશે તો એ કોઈજ કામની નથી. કેમ કે ચહેરો ખોટું બોલશે પરંતુ મન ક્યારેય ખોટું નહિ બોલો . એટલે મન પવિત્ર હોવું જોઈએ ચહેરા ની સુંદરતા તો ક્ષણિક છે , આજ છે ને કાલ નહિ .એટલે જ તો કહ્યું છે કે,
“દિલ કો દેખો ચહેરા ન દેખો,ચહેરેને લાખો કો લૂંટા”
” દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા “