પ્રિયા ને સમીર નો સંસાર સુખેથી ચાલતો હતો . લગ્નને ૫ મહિના થઇ ગયા હતા પણ આ ૫ મહિના ક્યા પસાર થઇ ગયા ખબર જ ન પડી. એવામાં એક દિવસ સમીર ના સાસુ એમના ઘરે રહેવા આવ્યા .સાસુમા એ આવીને એમની દીકરી પ્રિયા ના લગ્નજીવનમાં નાની મોટી દખલગીરી કરવાની ચાલુ કરી દીધી .બેટા , આ શું આટલું નાનું પોર્ટેબલ ટી.વી ? અને આ શું તારા ઘરે એ.સી પણ નથી ! તને યાદ છે ,આપણા ઘરે તો તારા એક જ અવાજ પર તારા પપ્પા એ સ્માર્ટ ટી.વી લાવી દીધું અને એ.સી વગર તો તારે બિલકુલ પણ ચાલતું નહિ. તું કેવી રીતે ચલાવી લે છે આ બધું . જમાઈ કેટલી વાર તને બહાર ફરવા લઇ જાય છે . સમીર કુમાર થી બહુ દબાઈને રહેવાની જરૂર નથી. વગેરે વગેરે….

પ્રિયા ની મમ્મી ની આવી વાતો ની પ્રિયા પર અવળી અસર પડી. હવે એ સમીર જોડે દરરોજ કંઈક ને કંઇક નવી વસ્તુ ની ડિમાન્ડ કરવા લાગી , અને સમીર પ્રત્યે બેધ્યાની પણ રાખવા લાગી.પરિણામે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા . પ્રિયા ની મમ્મ્મી ની આવી ખોટી શિખામણો થી પ્રિયાનું વ્યવહારિક જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું. આમ જોવા જઈએ તો આ બાબત આપણા સમાજમાં ઘણા ઘરોમાં લાગુ પડે છે.

ઘણા માતા પિતા દીકરીના લગ્ન બાદ તેના સાસરીયા માં વારંવાર દખલગીરી કરતા હોય છે , એમાંય ખાસ કરીને મમ્મીઓ વધારે , એમની દીકરી સાસરે જાય પછી પણ રોજ રોજ દીકરી ને ફોન કરવો,સાસરીયા વિરુદ્ધ ની વાતો કરવી ,
ત્યાના રીત રીવાજો સામે આંગળી ચીંધવી, કંઈ પણ વાત હોય ત્યારે તરત દીકરી નો પક્ષ લઈને એના સાસરે પહોંચી જવું. આ બધું ભલે એ દીકરી ના હિત માટે કરવા જઈ રહી હોય , પરંતુ એનાથી થાય છે તી દીકરીનું નુકશાન . કોઈપણ દીકરી હોય એને સાસરીમા સેટ થવામાં શરુઆતમા થોડી ઘણી તકલીફ તો પડે જ છે . પરંતુ એનો મતલબ એ નથી કે તમારી દીકરી સાસરીમાં દુખી છે.

દરેક માતા પિતા ને એમની દીકરી ખુબ વ્હાલી હોય છે , પરંતુ લગ્ન બાદ એ ફક્ત તમારી દીકરી જ રહેતી નથી . એ કોઈની પત્ની, કોઈની વહુ અને કોઈની ભાભી કે દેરાણી જેઠાણી પણ બને છે. માટે એ બધા સંબંધો સાથે એને ભળવા દો . એ નવા સંબંધો ને સમજવા દો .જો તમે વારંવાર દીકરીના જીવનમાં દખલગીરી કર્યા કરશો તો એ ક્યારેય સાસરીમાં સેટ થઇ શકશે નહિ. તમારા ઘરે ભલે મોટર ગાડીઓ હોય પણ લગ્ન બાદ જમાઈ પાસે સ્કૂટર જ હોય અને જો દીકરી ને તમે સાસરી અને પિયર વચ્ચે વાતે વાતે તુલના કરવાનું શીખવશો તો આજ નહિ તો કાલ તમારા જમાઈને એ વાત નું માઠું લાગશે જ, પરિણામે એમના વચ્ચે રકઝક શરુ થઇ જશે. દીકરીને સાલાહ જ આપવી હોય તો એવી આપો કે હવે સાસરી જ તારું ઘર છે , ત્યાં બધાને પ્રેમ અને સન્માન આપીશ તી સામે તને પણ પ્રેમ અને સન્માન મળશે.

એક માતા જો એવું ઈચ્છતી હોય કે એની દીકરી ખુશ રહે તો તેને દીકરી ની ઘરેલું બાબતો માં માથું ન મારવું જોઈએ. એનાં સાસરીયા ઓ પ્રત્યે કોઈપણ એકતરફી મત ન બાંધવો જોઈએ. દીકરીના ગૃહસ્થીના નિર્ણયો દીકરી અને જમાઈ ને મળીને લેવા ડો, તેઓ કોઈ ભૂલ કરી રહ્યા હોય તો દીકરીના સાસુ સસરા ને સાથે રાખીને દીકરી અને જમાઈ ને સમજાવો. દીકરી જો પિયર માં આવી ને વાતે વાતે કોઈ ની કોઈ ઓછપ ના રોદણાં રડતી હોય તો એને સમજાઓ કે બધી વસ્તુ પરિપૂર્ણ નથી હોતી અથવા તો આજ નથી તો કાલે મળી જશે. એને થોડામાં સંતોષ રાખતા શીખવો. એને શીખવો કે સાસુ સસરા અને પતિ નું માન કેવી રીતે રાખવું . સાસરીમાં નાના ઓ ને પ્રેમને મોટાઓને સદાય માન આપવું. ક્યારેય પોતાના ઘરની તુલના દીકરીના ઘર સાથે ન કરો અથવા તો દીકરી ને પણ ન કરવા દો. વેવાઈવેલા જેવા સંબંધો ખુબજ નાજુક હોય છે એટલે એમના માન-સન્માન માં બેદરકારી ન કરો. દીકરીના સંસારમાં તમારી વારંવારની દખલ એના સાસરીયા કે એના પતિને બિલકુલ પસંદ નહિ આવે માટે એના જીવનમાં કોઈજ બિનજરૂરી દખલ ન કરો.એને એનું જીવન જાતે જ નિભાવવા દો.

અંતે એટલું જ કહીશ કે જો દીકરી ને ખરેખર કંઈક મુશ્કેલી હોય અથવા તો દીકરી કોઈ મુસીબતમાં હોય અને એના સાસરિયા તરફથી એને કોઈજ સાથ કે સહકાર ન મળતો હોય તો એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વગર એની મદદે પહોંચી જાઓ.

એક માં બાપ ને દીકરી ની ચિંતા હોય એ સ્વાભાવિક છે , પરંતુ ચિંતા કરવી અને નાની નાની બાબતો માં દીકરીની ગૃહસ્થી માં દખલ કરવી એ પણ યોગ્ય નથી . માટે જો તમેં ઈચ્છો છો કે તમારી દીકરી સાસરીયા માં જલ્દી થી હળીમળી જાય અને ખુશ રહે તો એને ત્યાં એની મેળે જ સેટ થવા દો .એને પોતાની જાતે જ નાની નાની સમસ્યાઓ નું નિરાકરણ જાતે જ લાવવા દો પછી જુઓ દીકરી કેટલી સરસ રીતે સાસરીમાં ભળી જશે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here