હાલનો સમય એટલે સ્માર્ટ ફોન તેમજ આધુનિક ટેક્નલોજીનો છે જેમાં માણસો પણ આધુનિક અને હાઈફાઈ થઇ ગયા છે . હાલ મોટા બીઝ્નેસમેન થી માંડીને શાકની લારીવાળા પાસે પણ સ્માર્ટ ફોન હોય છે. અરે સ્માર્ટફોન જ નહિ હવે તો ૫ મુ પાસ માસીઓ પણ વ્હોટસઅપ અને ફેસબુક વાપરતા થઇ ગયા છે. આમ જોવા જઈએ તો ફેસબુક અને વ્હોટસઅપ થી ટાઈમપાસ તો થઇ જાય છે અને હા નવું નવું ઘણું શીખવા પણ મળે છે.પરંતુ હાલ ફેસબુક ટાઈમપાસમાંથી ફુલટાઈમ થઇ ગયું છે.
ન્યુઝ તો ટીવી જોયા વગર કે છાપું વાંચ્યા વગર જ ઓનલાઈન બધા જ મળી જાય છે જેવા કે કયા રાજનેતાઓ એ કયું કૌભાંડ કર્યું , કયા ફીલ્મસ્ટારની પત્ની એને છોડીને જતી રહી, કયો ક્રિકેટર કેટલા રૂપિયા લે છે એક એડવરટાઈઝ ના અને આ સિવાય શેર શાયરીઓ , રેસીપીઝ , પ્રેગનેન્સી -બ્યુટી અને હેલ્થ ટીપ્સ પણ ખરી. જોકે આમાં ઘણું બધું એવું છે જે ખરેખર ઉપયોગી થાય છે . આ સિવાય એવી બીજું ઘણુબધું એવુય હોય છે જે ખાલી સમયનો બગાડ અને નકરો ટાઈમપાસ જ હોય છે.
બાજુ વાળાના ઘરમાં શું થાય છે એ જાણવા માટે લોકો આજે એના ઘરમાં ડોકિયા નથી કરતા , બસ એની ફેસબુક કે વ્હોટસઅપ પ્રોફાઈલ ચેક કરી લેવાની બધા જ ન્યુઝ મળી જાય. ઘરમાં નવું કૂકર આવ્યું તોય ફેસબુક પર અને ને બાબા ને બાબો આવ્યો તોય ફેસબુક પર અપલોડ કરી જ નાખે એના ફોટા એટલે પાડોશી તો ઠીક આખાય ગામને ખબર પડે. આટલું તો ઠીક પણ બૈરી જોડે ઝઘડો થયો હોય તોય ભડનો દીકરો ” ફીલિંગ સેડ ” લખીને ઉતરેલી કડી જેવા એના મોઢાની સેલ્ફી મૂકે એટલે પછી ક્યાં કોઈને એના ઘરમાં ડોકિયા કરવાની જરૂર જ છે પછી. ટૂંકમાં સારું અને નરસું બધું જ આજે એક ક્લિક પર મળી જાય છે ફેસબુક અને બીજી ઘણી બધી સોસીયલ મીડિયા સાઈટ્સ ઉપર. એ આપણા ઉપર છે કે શું જોવું શું ના જોવું – શેનો અમલ કરવો-શેનો ન કરવો.
પહેલા ના સમયમાં ગામના ગોંદરે કે શેરી ના ઓટલે ટોળીની જમાવટ થતી અને બધા પોતપોતાનું ડાહ્યપણ ડોળતા. પાનના ગલ્લે પુરુષો ની મીટીંગ જામી હોય એમાંય રાજનીતિ , ક્રિકેટ અને બોલીવૂડ આ બધુય ભેગું ડિસ્કસ થતું હોય.ભલે ને પછી કંઈ ખબર પડે કે ન પડે . બીજી બાજુ સ્ત્રીઓ ની ટોળી પોળના ઓટલે જામી હોય અને ફલાણીની ની સાદી જોઈ , પેલીના ઘરમાં તો એના વરનું કઈ ચાલતું જ નથી . કોઈક ઘરમાં કઈ ન બોલી શકતું હોય અને ફેસબુક પર અને વ્હોટસઅપ પર તો પંચાતીયા હોય. એવું નથી કે ફક્ત પુરુષો જ ફેસબુક પર લાગેલા હોય છે, સ્ત્રીઓ પણ ફેસબુકની એટલી જ આદી છે. હાલ એકજ ઘરમાં રહેતા હોય છતાં એકબીજા સાથે વાતચીત કરવાનો સમય નથી હોતો લોકો પાસે . અને ફેસબુક અને વ્હોટસઅપમા કલાકો સુધી ઘુસેલા રહે છે. કેટલાક તો અડધી રાત સુધી ઓનલાઈન હોય. અમુક ને તો એટલું વળગણ થિયા જાય કે જયારે એની પ્રોફાઈલ જુઓ તમે એટલે એ વીરલો ઓનલાઈન જ દેખાય.
ફોટોઝ તો પાડીને સીધા જ ફેસબુક પર ચડાવી જ દેવાના અને એમાય વારે વારે જોયા કરવાનું કે કેટલી લાઈક્સ આવી, અને પરીક્ષા માં માર્ક્સ ઓછા આવે એનાથી વધારે તો ફોટા ઉપર લાઈક્સ ઓછી આવાનું દુખ હોય બોલો. આમાં ફેસબુક ક્યાં જઈને છોડશે. આ સ્માર્ટ ફોન,ગેમ્સ , સોસીયલ મીડિયા સાઈટ્સ , એપ્લીકેશન આ બધું ફક્ત કામ માંથી ફરી થઈએ એટલે થોડીવાર પૂરતું મનોરંજન માટે હોય , જયારે આજે તો આ બધું પહેલી પ્રાથમિકતા બની ગયું છે.
હાલ ફેસબુક પર અને વ્હોટસઅપ પર પણ કોઈ હસે એટલે પરાણે સામે હસવું જ પડે એવું થઇ ગયું છે . કોઈ ઓળખીતું હાઈ ! કરીને મેસેજ મોકલે એટલે આપણને દીઠોય ન ગમતો હોય તોય સામે હાઈ ! કેહવું જ પડે. એમાય ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરવાની તો જાણે ફેશન જ આવી ગઈ છે. કોઈ સગા વાહલા એ ફોટો મુક્યો હોય અને ન ગમતો હોય તોય આપડે પરાણે કમેન્ટ કરવી પડે ” નાઈસ પીક “. અથવા છેવટે લાઈક તો કરવું જ પડે. હાલમાં તો કોઈએક ટોપિક હાથમાં આવી જાય પછી તો બધા એની જ પાછળ હાથ ધોઈને મંડે. અત્યારે તો #metoo કેમ્પીયને બહુ જોર પકડ્યું છે . એમાંય એકે પોસ્ટ કરી અને પાછળ બધા લાગી પડે. એમાં સાચું શું છે એતો ભગવાન જ જાણે ? પણ વાંચીને ને સાંભળીને આપણનેય નવાઈ લાગે કે આમાય વાદ લેવાના ! અમુક તો એવા એવાએ પણ #metoo કહીને પોસ્ટ નાખીને કે એમેને જોઈને જ આપણને થાય કે આને અબ્યુઝ કરી શકે કોઈ ? બીજી દ્રષ્ટિ એ જોવા જઈએ તો એવું પણ કહી શકાય કે જે લોકો સાથે ખરેખર એવું કઈ થયું હોય એ લોકો ખુલીને આ માધ્યમ દ્વારા બોલી શકે છે .
ખરેખર એટલું તો વળગણ થઇ ગયું છે ને લોકોને સોસીયલ મીડિયા સાઈટ્સ નું કે આજે તો શું ખાધું – શું પીધું થી લઈને જોર થી છીંક આવી જાય તોય લોકો ફેસબુક પર શેર કરી નાખે છે.