મને એક વાત નથી સમજાતી , દીકરાને જ્યારે પહેલો મૂછનો દોરો ફૂટે એટલે એક બાપ ને શેર લોહી ચડે ! એ ગર્વ અનુભવે કે મારો દીકરો મર્દ થઈ રહ્યો છે અથવા મારો દિકરો યુવાન થઇ રહ્યો છે. તો એક દીકરી ની માઁ જે પોતે એક સ્ત્રી છે એ શા માટે ગર્વ નથી અનુભવતી કે જ્યારે એની દીકરી પ્રથમવાર પિરિયડ્સ માં થાય છે.એણે પણ ગર્વ થવો જોઈએ ને કે એની દીકરી હવે યુવાન થઈ રહી છે કે એની દીકરી હવે એના સ્ત્રીત્વ ને પામી રહી છે. ઉલટાની માઁ તો મૂંઝાય છે, આ સમય પોતે મૂંઝાવાનો કે દીકરીને મૂંઝવવાનો નથી. આ સમયે તો દરેક માઁ એ માઁ મટીને દીકરીની સખી /બહેનપણી થવાનું છે અને એને એના શરીરમાં થતા આ પરિવર્તન અંગે જાગૃત કરવાની હોય અને દિકરીને આ સમયે રખાતી શારીરિક સ્વચ્છતા વિશે સમજાઓ તેમજ સેનેટરી પેડસના ઉપયોગ થી માહિતગાર કરો.
એક સર્વે અનુસાર આપણે ત્યાં હજુ પણ શહેરમાં 75% અને ગામડાઓમાં 45% સ્ત્રીઓ જ સેનેટરી પેડ્સ નો ઉપયોગ કરે છે. બાકીની સ્ત્રીઓ હજુ પણ આ દિવસો દરમ્યાન કપડાં નો ઉપયોગ કરે છે અને સેનેટરી પેડ્સ ને સૂગ ની દ્રષ્ટિએ જુએ છે .પણ તેઓ હજુ એ નથી જાણતા કે એક જ કપડું ધોઈને ફરીવાર વાપર્યા પછી પણ તેમાં રહેલા કિટાણુંઓ સંપૂર્ણ નાશ પામતા નથી અને ઇન્ફેકશન ના પૂરેપૂરા ચાન્સીસ રહે છે. તો શા માટે પોતામાં સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી.
બીજી એકવાત મને ના સમજાઈ કે આપણે ત્યાં સ્ત્રીઓ કે છોકરીઓ જ્યારે સેનેટરી પેડ્સ ખરીદવા જાય છે ત્યારે અથવા તો દુકાનદાર એને પેપર માં લપેટીને આપે છે અથવા તક સ્ત્રીઓ સામેથી એને બ્લેક પોલીથીન માં આપવા નું કહે છે. અરે ! ભાઈ શુ કામ, તમે કોઈ ટાઈમબૉમ્બ કે પછી ગેરકાયદેસર ચીજ થોડા ખરીદી રહ્યા છો કે એને સંતાડીને લેવી પડે. શા માટે લેટી વખતે ક્ષોભ અનુભવો છો. પેડસને પણ નોર્મલ વસ્તુની જેમ વિના સંકોચે ખરીદો અને ઘરે લઇ જાઓ.
આપણે ત્યાં મોટા ભાગના ઘરો માં હજુ પણ સ્ત્રીઓ આ દિવસોમાં અથાણાં ની બરણીને અડતી નથી .પૂછો તો કે અથાણું બગડી જાય. ખબર નઈ આમા કયું લોજીક કામ કરે છે. ઘણા ઘરોમા હજુ પણ આ સાત દિવસોમાં સ્ત્રીઓને રસોડામાં જવાની, ઘરની બાકી ચીજો ને અડકવાની મનાઈ હોય છે. એમની પથારી , વાસણ બધું આ દિવસો દરમ્યાન અલગ રાખવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દિવસો દરમ્યાન સ્ત્રીઓને આરામ મળે એ હેતુથી પહેલા આમ કરવામાં આવતું પણ હવે અમુક લોકોએ તો એને પ્રથા જ બનાવી દીધી છે. માનું છુ કે આ દિવસો દરેક સ્ત્રી માટે થોડા પીડાદાયક અને થોડા કોમ્પ્લીકેટેડ હોય છે પરંતુ હવે તો એના ઉપાય તરીકે દર્દશામક દવાઓ અને એક્સસાઇઝ પણ અવેલેબલ છે તો પછી શુ કામ મૂજાવાનું.
આટઆટલી સોશિયલ અવેરનેસ અને ટીવી પરની જાહેરાતો જોઈને પણ હજુ આપણે ત્યાં સ્ત્રીઓ જોઈએ તેટલી જાગૃત નથી થઈ. સરકાર દ્વારા અવારનવાર સ્કૂલો , કોલેજો અને ગામડાઓ માં સેનેત્રી પેડસના ઉપયોગ અને એ અંગે જાગરૂકતા માટેના કાર્યક્રમો થતા રહેતા હોય છે. હમણાં થોડા જ સમય પહેલા જ અક્ષય કુમારની ‘પેડમેન’ ફિલ્મ આવી હતી જેમાં સેનેટરી પેડસના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો અને આ અંગે સ્ત્રીઓએ જાગૃત થવું જોઈએ એવો મેસેજ પણ આપવામા આવ્યો હતો. એ ખરેખર સરાહનીય હતું.
દક્ષિણ ભારતમાં તો દીકરી જ્યારે પ્રથમવાર પિરિયમા થાય ત્યારે એની પૂજા કરવામાં આવે છે અને ત્યાં ઘણી જગ્યાએ તો આ દિવસોને ઉત્સવ માનવામાં આવે છે અને સ્ત્રીઓ મળીને એને ઉજવે પણ છે.આજ તો ખરેખર સાચું છે.
અંતમાં બસ એટલું જ કહેવાનું કે પિરિયડ્સ એ કઈ ક્ષોભ કે શરમની વાત છે જ નહીં. એતો એક નારી માટે ગર્વની વાત છે. માટે દરેક સ્ત્રીએ/માતા એ આ અંગે પોતે પણ જાગૃત થવું જોઈએ અને પોતાની દિકરીઓને પણ માહિતગાર કરવી જોઈએ કે આ દિવસો પણ બાકીના દિવસો જેટલા જ નોર્મલ હોય છે. બાકી જે એક્સ્ટ્રા કેરની અને સ્વચ્છતાની આ દિવસો માં જરૂર હોય છે એ વિશે દીકરીઓને સમજાઓ અને એમને શીખવો કે આ દિવસોને શરમાયા અને મૂંઝાયા વગર સહજતા થી જીવે. પિરિયડ્સ એ એક સ્ત્રી માટે સ્ત્રીત્વના પૂર્ણત્વ ની મહોર છે.