pickel gujarati article

         ‘ અથાણું ‘ નામ જ કેવું ચટપટું છે નઈ. પહેલા તો અથાણું નામ સંભાળતા જ કેટલાનાય મોમાં પાણી આવી ગયું હશે, ખરુંને ?

ખરેખર અથાણું તો રસોડા ની રોનક છે. અને ભલભલા માસ્ટર શેફ ને પણ પાછા પડી દે એવી મારી અને તમારી મમ્મીઓના હાથનાં અથાણા તો વાત જ શું કરવી ? માં ની રસોઈ માં તો જાદૂ હોય જ પરંતુ એમાય મમ્મી જે બાર મહીને અથાણું બનાવે એની તો સુગંધ અને મીઠાશ બેય બારે મહિના જળવાય હો .

 

       આમ તો અથાણા ની સીઝન એટલે ઉનાળો. કેરી ગુંદા, કેર, વગેરેનું અથાણું જનરલી ઉનાળામાં જ આપણા સૌના ત્યાં બનતું હોય છે. બહાર ના રેડીમેડ અથાણા તો બારેમાસ મળતા જ હોય છે પરંતુ એમાં ઘર જેવી મજા અને માં જેવી મીઠાશ ના હોય ને , એતો પ્રીઝર્વેટીવ વાળા અથાણા જે ખાલી વરસ આખું ટકવા માટે જ હોય બાકી હેલ્થ અને વેલ્થ માટે તો નુકશાનકર્તા જ કેવાય ને .

        અથાણું એટલે હળદર મીઠા માં આથીને,સુકવી, ભરપુર મસાલાના મિશ્રણ ઉપર ગોળ અને તેલના રાઈ-ધાણા ના કુરિયાવાળા વઘાર રેડીને બનાવામાં આવતું સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાણું જે આખુય વરસ એમનું એમ રહે છે. ઘરે બનાવેલા અથાણા માં કોઈજ પ્રકારના પ્રીઝર્વેટીવ ની જરૂર પડતી નથી .

          કહ્યું છે ને કે ‘ જેનું અથાણું બગડ્યું એનું આખું વરસ બગડ્યું ‘ . આતો એક કહેવત પડી ગઈ છે બાકી હકીકત માં એવું કઈ જરૂરી નથી . પરંતુ હા અથાણું બનાવાવું એ પણ એક કળા છે. જેમાં આપણી ગુજરાતી ગૃહિણીઓ પાવરધા હોય છે. આમતો અથાણું જેને હિન્દી ભાષમાં “અચાર” અને અંગ્રેજીમાં “પીકલ” કહેવાય છે એ ભારતના વિવિધ કેટકેટલાય પ્રાંતોમાં બને છે . પણ એમાં ગુજરાતના અથાણા ની તો વાત જ ના થાય. હેયને ગોળ કેરીનું અથાણું ને ગુંદા, કેર , મરચા, લીંબુ અને ગાજર નું તેમજ મેથીનું પણ અથાણું બોલો. એવા તો કેટકેટલાય અથાણા ગુજરાતી ગૃહિણીઓ બનાવી જાણે છે જેના મને અને તમને નામ સુધ્ધાં નહિ આવડતા હોય.

           આમ જોવા જઈએ તો અથાણું પણ પરિવાર ની એકતા અને પ્રેમનું પ્રતિક સમું છે. કેમ કે આમ તો અત્યારે સંયુક્ત કુટુંબો બહુ ઓછા જોવા મળે છે , પરંતુ જયારે ઘરમાં અથાણા બનવાના હોય ત્યારે આપણા બધાનું ભેગું જ બને અને પછી વહેંચાય. જ્યારે આપણા ઘરમાં આપણી દાદી, મમ્મી, કાકી અને બહેન આ બધા જયારે ભેગા બેસીને હળવા વાતોના ગપાટા સાથે અને એકબીજના સહયોગથી જયારે આ અથાણું બનાવતા હોય છે ત્યારે ખરેખર આપણને લાગે છે કે આજે પણ આપણો પરિવાર એક છે. આમ બીજા કાર્યોની તો ખબાર નહિ પરંતુ અથાણા ની સિઝનમાં તો ઘરમાં પસંગ જેવો માહોલ લાગે છે . ગુજરાતીઓ ની વાત કરીએ તો આમ તો તેઓ અથાણા ના ખુબ શોખીન હોય છે પરંતુ મોસ્ટલી બધાને ગોળ કેરી નું અથાણું વધારે ભાવતું હોય છે અને યાર! કેમ ના ભાવે હેય ને એ ખાટુ-મીઠું અથાણું જોઇને કોનાથી રહેવાય ?

        અરે, અથાણું તો ઘેર ઘેર રસોડા ની શોભા વધારે છે , અને સાચું કહું તો આપડે તો ભારે શોખીન અથાણાનાં . કેમ ના હોઈએ કેરી કટલા , છૂંદો અને આથેલા મરચા એ કયા ગુજરાતીને ના ભાવે ! અને હવે તો આપણે ત્યાં કોઈપણ પ્રસગ નો જમણવાર હોય કે હોટેલનું ડીનર કોઈ પણ ગુજરાતી થાળીમાં અથાણું તો જોવે જ . કેમ કે ગુજરાતી થાળી અથાણા વગર તો અધુરી જ કેવાય ને . તો તમે પણ , હેય ને પ્રેમ થી અથાણા બનાવજો અને બધાય ને પ્રેમ થી ખવડાવજો .

 

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here