pride Gujarati article

      મનુષ્ય જ્યારે પોતાને સામાન્યથી કંઈક વધારે , વિશિષ્ટ કે મહાન અથવા મહત્વપૂર્ણ સમજવા લાગે છે , ત્યારે તેનામાં અભિમાન નું બીજ અંકુરિત થાય છે. આ અભિમાન નું બીજ ધીમે ધીમે વધતા એક વટવ્રુક્ષ બની જાય છે. ખોટી પ્રશંસા અને બડાઈઓ થી એવા જ મનુષ્ય અંજાઈ જાય છે જેઓ અજ્ઞાની દૂર દ્રષ્ટિના અભાવવાળા હોય છે. અભિમાન એક એવો સડો છે જે જીવનની વૃદ્ધિ , વિકાસ અને સુખને ક્ષીણ કરી નાખે છે.

*  સફળતામાં બાધક

       અભિમાન એ મનુષ્યની જ અલ્પબુદ્ધિ ના કારણે જ આવે છે અને તેનાથી પછી કામ , ક્રોધ , લોભ અને મોહ જેવા વિકારો ઉત્પન્ન થાય છે. જેના કારણે વ્યક્તિની પ્રગતિનો પંથ રૂંધાઇ જાય છે. અભિમાન માં જો કોઈ વધારો કરનારું હોય તો એ છે પ્રસંસા . પ્રશંસા એ વ્યક્તિને ના અહંમ ને પોષે છે અને એની પ્રગતિમાં અવરોધક બને છે. કયારેક કોઈ પણ વસ્તુનું અભિમાન કરવાથી એમાં વધારો નથી થતો ઉલટાનો ઘટાડો થાય છે . એથી ક્યારેય પોતાના બળ , બુદ્ધિ , સામર્થ્ય અને વિદ્યા નું અભિમાન ન કરવું , એ તમારી સફળતામાં બાધક બનશે.

* સંઘર્ષ :

         અભિમાન એ મનુષ્ય ની ક્રિયાઓને અનિયંત્રિત અને અવ્યવસ્થિત કરી નાખે છે. અભિમાની વ્યક્તિ એ પોતાની વિચારવાની ક્ષમતા અને વિવેક તેમજ વાણી વ્યવહાર માં શાલીનતા આ બધું જ ગુમાવી દે છે. તેમજ હમેશા પોતાની પ્રસંસા સંભાળવા માંગતો વ્યક્તિ કદાપી પોતાની નિંદા સાંભળી શકતો નથી. અને સામે વાળી વ્યક્તિ જોડે સંઘર્ષ કરી બેસે છે.

* દ્રેષ – ઈર્ષા :

         અભિમાની વ્યક્તિ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે. તે પોતાને જ સર્વશ્રેષ્ટ માને છે. તેને પોતાના જ કાર્યો તેમજ પ્રગતિમાં રસ હોય છે. તેને પોતાના કરતા બીજું કોઈ આગળ ન વધી જાય એની જ સતત ચિંતા રહ્યા કરતી હોય છે. અને બીજું કોઈ એના કરતા આગળ ન વધે એ માટે એ બધા સારા નરસા પ્રયત્નો કરતા અચકાતો નથી . આમ અભિમાન એ ઈર્ષા – દ્રેષ ની ભાવના ને જન્મ આપે છે અને એક મનુષ્ય બીજા મનુષ્ય ને દુખ તેમજ હાની પહોંચાડવા માં જરાય વિચાર કરતો નથી. પરિણામે એનો કાર્ય સિદ્ધિ માટેનો સંઘર્ષ વધારે કઠીન બની જાય છે. તેમજ એ બીજા ને સ્વયં કરતા નીચા દેખાડવામાં અને પોતાને શ્રેષ્ટ બતાવવામાં રચ્યો પચ્યો રહે છે અને આમ તે દિશાહીન બની ને માત્ર સંઘર્ષ જ કર્યા કરે છે પરંતુ એને સફળતા મળતી નથી.

* પતન :

         જ્યારે જ્યારે વ્યક્તિ પોતાના રંગ, રૂપ , શક્તિ, બુદ્ધિ કે સામર્થ્ય નું અભિમાન કરે છે ત્યારે ત્યારે તેનું પતન અવશ્ય થાય છે , અભિમાન એ મનુષ્યને તેના વિનાશ તરફ લઇ જાય છે. રાવણે પણ જ્યારે પોતાની શક્તિનું અભિમાન કર્યું ત્યારે પ્રભુ શ્રી રામને હાથ તેનો વિનાશ થયો, બલિ રાજા ને તેમના દાની હોવાનો ગર્વ થયોને શ્રી હરિએ વામન રૂપ ધરીને તેનો ગર્વ ઉતાર્યો અને તેનું હતું તે બધું લઈ લીધું ને આમ તેનું પતન થયું . એટલે જ વધુ પડતો લોભ હોય કે અહંકાર એ તમારો વિનાશ સર્જે છે.
           એટલે જ જીવનમાં જો સફળ થવું હોય તેમજ જો બધા સાથે હળીમળીને સદભાવનાથી જીવવું હોય તો અહંમ એટલે કે અભિમાન નો ત્યાગ અને સદવિચારો નો સાથ અપનાવો પડશે. બીજાના દોષો ન જોતા સ્વયં પર ચિંતન કરવું પડશે અને પોતાની ભૂલ શોધી તેને સુધારીશું તો જ આપણી પ્રગતિ થશે અને ઉન્નતિના બધા માર્ગ આપણા માટે ખૂલશે. માટે અભિમાન છોડી વિનમ્ર અને મિતભાષી બનીશું તો જ સૌને પ્રિય થઈશું.
SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here