હાલના સમય માં સૌથી મોટો પ્રશ્ન દરેક વ્યક્તિનો જો કોઈ હોય તો એ છે સ્ટ્રેસ. જેનાથી બચવા માટે લોકો કેટકેટલીય જાતની થેરેપીઝ , કેટલીય મનોચિકિત્સક સારવાર અને કેટલીય દવાઓ નો સહારો લે છે. પણ આ સ્ટ્રેસ આવે છે ક્યાંથી તો કે ધંધા માં નુકસાની કે દેવું,બેકારી, વધતી ઉમર છતાં લગ્ન ન થવા,પતિ પત્ની ના ઝઘડા , પતિ કે પત્ની નું ના એક્ષ્ટ્રા મેરીટલ અફેર,કે પછી સંતાન ન હોવું અને હોય તો નાલાયક હોવું. આ બધી વાતો થી ઉદભવે છે સ્ટ્રેસ .
શું ખરેખર આ જ બાબતો જવાબદાર હોય છે સ્ટ્રેસ પાછળ ? એનું મૂળ કારણ તો આપણે જાણતા જ નથી. અથવા તો જાણીએ છીએ છતાં પણ અજાણ બનીએ છીએ , તો કે કેમ , કે સમાજની બીકે. લોકો શું કહેશે એને લીધે.આપણને સૌને નાનપણ થી બસ એક જ વાત શીખવવામાં આવી છે કે “સુખને જેટલું વહેંચશો એટલું વધશે”.પણ આપણને કોઈએ એ ના શીખવ્યું કે “દુઃખને જેટલું વહેંચશો એટલું ઓછું થશે”. પણ આપણને તો એની જગ્યાએ એવું શીખવવા માં આવ્યું કે ,જો જે ઘરની વાત ક્યાય બહાર ન જાય ,
“બાંધી મૂઠી લાખની ને ખુલી જાય તો ખાકની.”
અરે ! પણ આ તે કેવી મુઠી , જે બાંધી રાખો તો વધુ પીડા આપે. એના કરતા ખોલી ને હળવા થવું વધારે યોગ્ય છે કે નહિ ? જો તમે સુખને બધાને સમક્ષ ખુલ્લું મૂકી શકો તો દુખ ને કેમ નહિ ? સુખને વહેચાય તો દુઃખ ને કેમ નહિ? કોઈ ની સામે ખાસ કરીને તમારી સામે જો તમારું પોતાનું કોઈ સ્વજન કહી શકાય કે મિત્ર કહી શકાય એવું કોઈ હોય તો એની સામે તમારું મન હળવું કરવામાં શું વાંધો હોઈ શકે.એ વાત તો સૌ જાણે છે કે કોઈને કહેવાથી કંઈ આપણું દુઃખ ઓછું નથી થઇ જવાનું અથવા તો આપની સમસ્યા કે મુશ્કેલી કઈ દૂર નથી થઇ જવાની.પરંતુ હા એટલું ચોક્કસ છે કે તમારા દિલ માં રહેલું દર્દ, તમારા મનને પજવતી કોઈ વાત કે સમસ્યા જો તમારા કોઈ અંગત મિત્ર કે સ્વજન સાથે શેર કરશો તો તમારી બાહ્ય તકલીફ ઓછી થાય કે ન થાય પરંતુ એ તકલીફ કે સમસ્યા ને કારણે તમારા મનમાં ઉદ્ભવેલી વ્યગ્રતા,ચિંતા કે ભય કે પછી ખચકાટ ચોક્કસ શાંત થઇ જશે.
હાલના સમયગાળા માં આત્મહત્યાના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે .જેમાં મોટા ભાગના લોકો સ્ટ્રેસ ના કારણે આત્મહત્યા કરતા હોવાનું બહાર આવે છે.કોઈને ધંધા માં નુકશાન થયું હોય તો એમ વિચારે કે જો બહાર મિત્ર વર્તુળમાં કે સગા વહાલાને કોઈને કહીશ કે ખબર પડશે તો મારી આબરૂ જશે , એમ વિચારીને એ વ્યક્તિ અંદરો અંદર ઘૂંટાતો રહે છે.ભયંકર સ્ટ્રેસ ની વચ્ચે સમસ્યા માંથી બહાર આવવા એકલો એકલો મથતો રહે છે. અને અંતે જ્યારે કોઈજ રસ્તો નથી મળતો ત્યરેવ એ વ્યક્તિ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લે છે.
આ સિવાય પણ ઘણી બાબતો છે , જેવી કે પતિ કે પત્ની બંને માંથી ગમે તે એકને લગ્ન બાહ્ય સંબંધ હોય જેને આપણે એક્ષ્ટ્રા મેરીટલ અફેર્સ કહીએ છીએ એમાં એકબીજા પર શંકા કરીને અંદરો અંદર મૂંઝાયા કરે અથવા તો વ્યર્થ શંકાઓ કરીને વ્યથિત રહ્યા કરે પરંતુ બે માંથી એકેય સમી છાતીએ જેઇને એકબીજાને એમ ન પૂછી શકે કે ખરેખર મેટર શું છે? માત્ર અને માત્ર ઉભો કરે તો એ છે વિવાદ .એ પણ જો શાબ્દિક વિવાદ હોય તો કંઈક બહાર પણ આવે મનનું પરંતુ એ તો ફક્ત હોય છે મૂક વિવાદ .એકબીજા સાથે રહેવા છતાં કોઈજ લગવાડ ન હોય તેવી રીતે અબોલા એમની હોય એમની વચ્ચે , અને અંતે બે માંથી જે પરિસ્થિતિ ને સાંભળી કે સહન ન કરી શકે એ આત્મહત્યા જેવું પગલું ભરી લે . તો શું તમને એવું નથી લાગતું કે એના કરતા એમને બંને એ સાથે બેસી અથવા તો કોઈ કાઉન્સીલર દ્વારા વાતનું મૂળ જાણીને સમસ્યા નું સમાધાન લાવવાની કોશિશ કરી હોત તો આ પરિણામ ન આવ્યું હોત. અથવા તો જો એમ લાગે કે સાથે જીવાય એમ નથી તો છૂટા પડી જવાય પરંતુ આત્મહત્યા એ કોઈ સમસ્યા નું સમાધાન તો ન જ કહેવાય ને .પરંતુ આ ની પાછળ પણ જવાબદાર શું તો કે કોઈને કહીશું તો આપણી ઈજ્જત નું શું ? ઘરની વાત બહાર જશે તો સમાજમાં બદનામી થશે.
સૌથી વધારે હાર્ટ અટેક ,બી.પી કે ડાયાબીટીસ ના કેસ ૪૦ થી ૪૫ વર્ષની ઉમર બાદ જ કેમ ઉદભવે છે. કેમ કે આટલા વર્ષો થી જે સંઘરતા (મનમાં) આવ્યા હોય એનું જ પરિણામ હોય છે આ બધું.એમાં મનમાં ધરબાયેલી વર્ષો જૂની કોઈ વાત જે મનને વર્તમાનમાંય પીડાવ આપતી હોય કે અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ ડંખ્યા કરતી. આ બધું કદાચ તમને અંદાજો પણ નઇ હોય કે ધીમે ધીમે તમને કેટલો ક્ષતિ પહોંચાડી રહ્યું છે .પહેલા લીધેલો સ્ટ્રેસ તમને જતી ઉમરે જરુર વર્તાય છે અને એ પણ શારીરિક માનસિક બીમારીઓ રૂપે .
બીમારીઓથી ઘેરાયા બાદ મનોચિકિત્સક ની સારવાર લેવી પડે અને એની આગળ હૈયું ઠાલવવું પડે એના કરતા પહેલા જ કોઈ સ્વજન કે મિત્ર આગળ મન મૂકીને રડી લઈએ કે હૈયા ની વાત કહીને હળવા થઇ જઈએ .
એ વાત હમેશા યાદ રાખો કે તમારા દુઃખ , મુશ્કેલી અને પરિસ્થિતિ માટે બીજાને ક્યારેય દોષ ક્યારેય ના આપો. બીજાને બ્લેમ કરવા કરતા બીજા સાથે એકવાર એ મુશ્કેલી કે તકલીફ ને કે વાત ને વહેચી તો જુઓ, પછી ભલે તકલીફ દૂર થાય કે ન થાય પણ હૈયા માં હિંમત અને ટાઢક બેય વળશે એની ગેરંટી.
યાદ રાખો દોસ્તો જીવન માં જો happy હશો ને તો જ healthy રહેશો.