સ્ત્રી એટલે શું ?

જેના વગર આ સમગ્ર સૃષ્ટિ અકલ્પ્ય છે. સ્ત્રી એટલે સર્જનહાર ,સ્ત્રી એટલે ગરિમા, સ્ત્રી એટલે સહજતા ,સરળતા, મમતા અને મિત્રતા નો સમન્વય.

સ્ત્રી અને પુરુષ જીવનરથ ના બે પૈડાં અને સિક્કા ની બે બાજુ જેવા છે.પણ આજે વાત કરીશું ફક્ત સ્ત્રીની . સ્ત્રીને વર્ણવવા માટે તો કદાચ શબ્દકોશના શબ્દો પણ ઓછા પડે. સ્ત્રીને આજે મારા શબ્દો માં વર્ણવવા નો પ્રયાસ કરી રહી છુ ,હું સહજતા થી આજે જે કાંઈ લખી રહી છું સ્ત્રી વિશે એ એટલા માટે કે હું પણ એક સ્ત્રી છુ અને આ શબ્દો દરેક સ્ત્રીના જેમ મારા માટે પણ જીવનના અભિન્ન અંગ સમાન છે. એમ સ્ત્રીના ઘણા બધાં રૂપો છે જેમ કે પુત્રી ,બહેન, માતા, પત્ની, પ્રેયસી-સખી વગેરે.પરંતુ આ બધામાં સામ્યતા તો એકજ છે અને એ છે પ્રેમ. અને એજ પ્રેમ તે આપે પણ છે અને ઝંખે પણ છે. સ્ત્રીના વિવિધ રૂપોને કવિતા રૂપો વર્ણવવાની કોશિશ કરતા બે પંક્તિ લખું છું,

 

દીકરી એટલે બાપનું ગૌરવ

બહેન એટલે ભાઈની હિંમત

પ્રેયસી એટલે પ્રેમની પરખ

પત્ની એટલે સુખ દુઃખની ભાગીદાર

અને અંતે આ બધાયથી પર એટલે “માં”

 

બધાય થી પર એટલે કહું છું કે ” માઁ ” ને વર્ણવવી એટલી સહેલી નથી. માઁ ને મૂલવવા ની નહીં પણ મહેસૂસ કરવાની હોય. માઁ શબ્દ બોલતા જ રૂંવે રૂંવે એની મમતાની મહેક પ્રસરી જાય છે. એના ખોળા માં માથુ મૂકતા જ દુનિયાભરની તકલીફો અને મૂંઝવણો માંથી મુક્તિ મળી જાય છે. પત્ની કે પ્રેયસીના ખભે માથું મૂકીને એક પુરૂષ ફક્ત પોતાનું મન હળવું કરી શકે પણ માઁ ના ખોળામાં માથુ મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રડતો પુરુષ ક્યારે બાળક બની જાય છે એ એ પોતે પણ નથી સમજી શકતો.

આપણા સમાજ માં સ્ત્રી એટલે ઘરનો ઉંબરો ,ઘરની લાજ,નાનપણથી જ સ્ત્રીને ખૂબજ સહજતાથી ,સાચવીને અને સમજાવીને ઉછેરવામા આવે છે. તેણે શુ કરવું, શું ન કરવું , મૃદુવાણી અને વર્તન શીખવવા માં આવે છે. કોઈપણ પરિસ્થિતિ હોય એને સ્વીકારી લેવી એવું શીખવાડવા ના બદલે જે અનુકૂળ અને ઉચિત લાગે તેને જ સ્વીકારવું બાકી યોગ્ય ન લાગે એવું અનુચિત પરિસ્થિતિ નો મક્કમતા થી પ્રતિકાર કરવો એ વાતનું સિંચન પણ જો પહેલેથી જ કરવામાં આવે તો એ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માં લાચાર, બિચારી ,એકલી કે બાપડી ન બની રહે.

આપણો સમાજ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર નો નારો તો લગાવે છે, પણ શું દરેક રીતે સ્ત્રીને પુરુષ સમોવડી સ્વીકારે પણ છે કે નહીં ? આજે દીકરા દીકરી એક સમાન છે છતાં પણ ઘરનો મોભ તો પુરુષ જ ગણાય છે ને. આજની સ્ત્રી દરેક સ્તરે પુરુષ સાથે કદમ થી કદમ મીલાવી ચાલી રહી છે. છતાંય ક્યાંક ને ક્યાંક તો એને પુરુષ ની તુલનાએ ઉતરતી જ અંકાય છે.

એક પુરુષ માટે સ્વમાન, પ્રસિદ્ધિ અને સફળતા એ સૌથી મહત્વની બાબત છે, જ્યારે એક સ્ત્રી માટે સફળતા અને સ્વમાન કરતા પણ એનો પરિવાર વધારે મહત્વપુર્ણ છે. એ પરિવાર મારે, પરીવારની ખુશીઓ આગળ તે તેનાં સપના ,ઈચ્છાઓ,ખુશી બધું જ ગૌણ સમજે છે. ત્યાગ ,સમાધાન અને સમર્પણ થી તે સદાય તે પોતાના પરિવાર ને એકસૂત્ર માં બાંધી રાખે છે.

પુરુષ ભલેને ઘરનો મોભ ગણાતો પણ પાયો તો ઘરનો સદાય સ્ત્રી જ રહી છે. ને જો પાયો મજબુત હોય તો જ ઘર , સંબંધ અને પરિવાર ટકી શકે છે.

હું એક સ્ત્રી છું એટલે સ્ત્રીના આટલા બધા વખાણ કરી રહી છું એમ ના સમજતા . એક પુરુષને પણ જો સ્ત્રી વિશે લખવાનું કહેશો તો કદાચ આનાથી પણ વધારે સારું અને વધુ લખી શકશે. પણ હા એ વાત તો ચોક્કસ છે કે સ્ત્રી વિશે એજ લખી શકે કે જે સ્ત્રી ને સમજી શકે. અને અંતમાં બસ એટલું જ કહીશ કે ,

” કોઈપણ સંબંધ ને નિભાવવા તેને પરખવો નહીં પણ એને સમજવો જરૂરી છે.

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here