આમ જોવા જાઓ તો ચોમાસા જેવી કોઈ બીજી સીઝન જ નહિ. હેય ને ધીમા ધીમા વરસતા વરસાદમાં પલળવાની જે મજા છે એવી બીજી ક્યાંય નથી. ભીની ભીની માટીની મહેક તન અને મન બંને ને પ્રફ્ફુલિત કરી મુકે ,પરંતુ ખરા અર્થમાં ચોમાસાની ૫ ખાસિયતો શું તમે જાણો છો ? તો આવો જોઈએ આપણે મન વરસાદ એટલે શું ?

  •  ચોમાસાની ૫ ખાસિયતો શું તમે જાણો છો ?

(૧) ગરમા ગરમ ગોટા અને દાળવડા :

          હેય ને એક બાજુ જોરદાર વરસાદ વરસતો હોય અને આવા વરસાદી વાતાવરણમાં ઓસરીમાં બેઠા બેઠા ચા સાથે ગરમા ગરમા ભજીયા કે ગોટા ખાવાની મજા પડી જાય. અને મરચા અને કાંદા ની પ્લેટ સાથે જો ગરમા ગરમ દાળવડા જો મળી જાય તો તો જાણે ભગવાન મળી ગયા. ખરેખર ચોમાસા ની મજા તો આવા ગરમા ગરમા ચટાકેદાર ગુજરાતી નાસ્તાઓ વગર અધુરી છે.

(૨) ખાબોચિયામાં છબછબીયા :

          નાના નાના ટેણીયાઓ વરસાદ માં જે ખાબોચિયા ભરાયા હોય એમાં છબછબીયા કરતા હોય છે , ક્યારેક તો આપણે પણ લાગ મળી જાય તો પાણીમાં એકાદ છબછબીયું કરી લઈએ છીએ . સાચું કહું તો મિત્રો પાણીમાં છબછબીયા કરીએ ને ત્યારે ક્ષણભર તો બધુય ટેન્શન અને ભાર ભૂલીને હળવા ફુલ બાળક જેવા બની જઈએ છીએ. ખરેખર આખા વરસ માં એક વાર તો ચોમાસા માં છબછબીયા નો આનંદ લઇ ને થોડી મોજ તો કરી જ લેવી જોઈએ. એટલે આ વખતના વરસાદ માં છબછબીયા પાકા .

(૩) લારીના મસાલાવાળા મકાઈ ડોડા :

           વરસાદ માં પલળતા પલળતા ગર્લફ્રેન્ડ જોડે બાઈક પર લોંગ ડ્રાઈવ પર જતા હોઈએ કે દોસ્તારો સાથે બહાર લટાર મારવા નીકળ્યા હોઈએ ત્યારે પલળ્યા હોઈએ અને જે મકાઈ ડોડા ની લારી પર શેકેલા કે બાફેલા લીંબુ મસાલાવાળા મકાઈ ડોડા ખાવાની જે મજા છે ને બોસ એવી તો મજા ફાઈવસ્ટાર હોટલમાંય ના આવે . આમ વરસાદ માં પલળીએ અને મકાઈ ના ખાઈએ એવું તો બને જ નહિ ને .

(૪) પોતાના કરતા ફોન અને પર્સની ચિંતા વધારે :

           વરસાદ નો સૌથી અહેમ ખાસિયત તો એ છે કે વરસાદ પડે કે તરત જ આપણ ને આપણા કરતા વધારે ચિંતા તો આપણા મોબાઈલ ની અને પર્સની થવા માંડે . જેવા ચાર છાંટા પડ્યા નથી ને તરત જ એક પ્લાસ્ટિક નું ઝભલું બહાર કાઢીને મોબાઈલ અને પર્સ ને એવો તો પેક કરીએ ને કે પાણી નો છાંટો તો શું હવા પણ અંદર ન જાય . પછી ભલે ને આપણું તો જે થવું હોય એ થાય. ઘરેથી નીકળતા એક વખત છત્રી કે રેઈનકોટ ભૂલી જાય પણ ફોન પેક કરવા માટે ઝભલું ના ભૂલે.

(૫) છોકરીઓને મોજ :

             તમે વિચારશો કે વરસાદ અને છોકરીઓની મોજ ને વળી શું લેવા દેવા તો સાંભળો. વરસાદ ના ચાર મહિના અષાઢ , શ્રાવણ, ભાદરવો અને આસો એટલે છોકરીઓ માટે તો વ્રત ઉપવાસ ગોરો , જય પાર્વતી ને કેવડાત્રીજ ને છઠ ને સાતમ એવું ઘણું બધુય જેમાં બધીય ડીમાન્ડ પૂરી થાય એમની . જે માંગે એ મળે વળી કોઈ એમને ખસ પણ ના કહે , જેના ઘરમાં બહેનો હશે એમને તો ખબર જ હશે અને એમાય વળી પાછું રક્ષાબંધન આવે એટલે તો ભાઈ પાસેથી પણ ગીફ્ટ મળે . આમ વરસાદ ની સીઝન એટલે છોકરીઓને તો ઘી કેળા .

               ખરેખર વરસાદ ની મજા તો કંઇક અલગ જ છે , અને પલળો તો તો મોજ પડી જાય. તો આ વરસાદમાં પલળજો અને એ પણ પાછા ગરમા ગરમા ગોટા ને દાળવડા અને મકાઈ ખાતા ખાતા . અને હા પાછા વરસાદ માં પલળતા પલળતા તમારા મોબાઈલ અને પર્સ સાચવજો પાછા . તો ચાલો ત્યારે બધા ને હેપી મોન્સૂન .

                આ વખતે વરસાદી મજા માણવામા  બસ એકજ વસ્તુ વિલન બની છે અને એ છે કોરોના. ખરેખર, આ કોરોના એ તો બહુ કરી ! આટલા સરસ વરસાદી વાતાવરણમાં પણ આપણે બહાર લટાર મારવા નથી જઈ શકતા . જોકે બહાર ન જવામાં પણ ભલાઈ તો આપણી જ છે. પણ જો આ કોરોના ન હોત તો ? અથવા તો કોરોના નાબૂદ થઇ જાય તો ? હે ! ભગવાન હવે તો બસ એજ પ્રાર્થના છે , કે આ કોરોના નામના રોગને જલ્દી દૂર કર એટલે અમે ફરી પાછા વરસાદ ની મજા માણી શકીએ. ખરું ને ?

SHARE
"Life lover" Since Born. Rashmi Panchal is enthusiastic Gujarati Writer, Dancer, Copy writer, Singer. She used to spend her whole day on her hobby related works. She loves her Child most " Sneh"

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here